તા.૮મી માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ખાખીમાં સજ્જ સુરતની સ્ત્રીશક્તિને સલામ

- તા.૮મી માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ખાખીમાં સજ્જ સુરતની સ્ત્રીશક્તિને સલામ
- ‘ખાખી’નું ગૌરવ વધારતી શહેરની સુરક્ષામાં તૈનાત ‘ફેબ્યુલસ 4’ મહિલા પોલીસ અધિકારીઓ: નવી પેઢી માટે પ્રેરણારૂપસુરત શહેરમાં ગુનાખોરી, સાયબર ક્રાઈમ તેમજ ટ્રાફિક સહિતની મુખ્ય જવાબદારીઓનું વહન કરે છે મહિલા DCP’s
અંગત અને વ્યાવસાયિક જીવનમાં તાલમેલ, માતૃત્વની જવાબદારી અને સામાજિક અંતરાયો સહિતના પડકારો પાર કરી મેળવી અદભૂત સફળતા
પડકારોને મ્હાત આપી, ફરજને સર્વોપરી ગણતી અને સુરતની સુરક્ષાનું સુકાન સંભાળતી ચાર નાયબ નાયબ પોલીસ કમિશનર
તા.૮ માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નારીઓના કર્તુત્વને બિરદાવવાનો અવસર છે. સુરત શહેરની સુરક્ષામાં સજ્જ, શહેરમાં ગુનાખોરી, સાયબર ક્રાઈમથી ટ્રાફિક સહિતની મુખ્ય જબવાબદારીઓનું વહન કરતી ચાર વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારીઓ અંગત અને વ્યાવસાયિક જીવનમાં તાલમેલ, માતૃત્વની જવાબદારી અને સામાજિક અંતરાયો, પડકારો પાર કરી નવી પેઢી માટે પ્રેરણારૂપ બની છે.
પડકારોને મ્હાત આપી, ફરજને સર્વોપરી ગણતી અને સુરતની સુરક્ષાનું સુકાન સંભાળતી ચાર નાયબ નાયબ પોલીસ કમિશનરો ખાખીનું ગૌરવ વધારી રહી છે.
તબીબી સેવાની સાથોસાથ UPSCની સિવિલ સર્વિસનું લક્ષ્ય સેવ્યું: મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે ત્રીજા પ્રયાસે સફળતા મેળવનારા ઝોન-૪ DCP ડૉ.નિધિ ઠાકુર

બિહારના ખાગડીયા જિલ્લામાં જન્મથી લઈને પટના મેડિકલ કોલેજથી એમ.ડી મેડિસીનની ડિગ્રી મેળવનારા સુરત શહેર ઝોન-૪ DCP ડૉ.નિધિ ઠાકુરે તબીબી સેવાની સાથોસાથ પરિવાર અને ખાસ કરીને માતાની મદદથી ત્રીજા પ્રયાસે UPSCમાં સફળતા મેળવી.
અચાનકથી આવેલા એક વિચારને ધ્યેયમાં પરિવર્તિત કરી લક્ષ્ય પ્રાપ્તિ સુધીની સફરને રોમાંચક ગણાવતા DCP ડૉ.નિધિએ સાબિત કર્યું, “IF THERE IS A WILL,THERE IS A WAY..”
‘મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધવાથી સફળતા નિશ્ચિતપણે મળે છે’-એ વિચારધારા સાથે સફળ થનાર ડૉ.નિધિ જીવનના પડકારો વિષે કહે છે કે, વ્યાવસાયિક જીવનમાં આગળ વધવા માંગતી દરેક સ્ત્રીને કોઈક તબક્કે સામાજિક દબાણ કે જાતિગત ભેદભાવનો સામનો કરવો પડે છે. જેનો મેં પણ અનુભવ કર્યો હતો. પરંતુ અડગ આત્મવિશ્વાસ સાથે દરેક પડકારને તકમાં ફેરવી શકાય છે.
ભૂતકાળમાં તબીબી ક્ષેત્રે સેવા આપી ચૂકેલા અને છેલ્લા ૬ વર્ષોથી IPS તરીકે ફરજ બજાવી રહેલા DCP ડૉ.નિધિએ કહ્યું કે, લોકસેવા, સહાનુભુતિ, સખત મહેનત અને વિષમ પરિસ્થિતિમાંથી આવતા લોકોની સમસ્યા સમજવાનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તેમણે તબીબી વ્યવસાયમાંથી મેળવ્યો છે. જે તેમને પોલીસ તરીકેની સેવામાં પણ ખૂબ ઉપયોગી થઇ રહ્યો છે.
૨૪*૭ લોકસેવામાં અડીખમ ડૉ.નિધિ અંગત જીવનમાં વાંચન અને જીમીંગમાં રુચિ ધરાવે છે. તેમણે દરેક સ્ત્રીને આર્થિક સ્વતંત્રતાની સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતાને પ્રાધાન્ય આપવા તેમજ ઉચ્ચ શિક્ષણ લઇ મનગમતા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા હતા.
–
નાનપણથી જ ‘ખાખી’ને પોતાની ઓળખ બનાવવા માંગતા ઝોન-૭ના DCPશ્રી શૈફાલી બરવાલે સાબિત કર્યું:“DREAMS DO COME TRUE…”

મૂળ જયપુરના અને IPS પિતાના પગલે નાનપણથી જ ‘ખાખી’ને પોતાની ઓળખ બનાવવા ઇચ્છનાર સુરત શહેર ઝોન-૭ના DCPશ્રી શૈફાલી બરવાલે માત્ર ૨૪ વર્ષની ઉંમરે UPSC પાસ કરી સાબિત કર્યું કે, જો શિસ્તબદ્ધ અને નિયત દિશામાં મહેનત કરવામાં આવે તો, “DREAMS DO COME TRUE…”
તેમણે કહ્યું, ઘરમાં માતા અને ફિલ્ડ પર પિતાના અનુશાસનથી પ્રભાવિત થઈને નાનપણથી જ ‘ખાખી’ ધારણ કરવાની અને લોકસેવા ક્ષેત્રે જ કારકિર્દી બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. બાયોટેકનોલોજી વિષયમાં B.TECHની ડિગ્રી મેળવી તરત UPSCની તૈયારી શરુ કરી અને બીજા પ્રયાસે મેં સફળતા મેળવી.
અંગત જીવનમાં IPS જીવનસાથી સાથે હવે બે બાળકોની માતાની પણ જવાબદારીનું નિર્વહન કરી રહેલા DCPશ્રી શેફાલીએ “વર્કિંગ મધર” તરીકેના પડકારો વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે, રાઉન્ડ ધ કલોક સમય અને પડકારરૂપ ફરજ વચ્ચે ઘણીવાર બાળકોને ઓછો સમય આપવાનો ખચકાટ રહે છે. તેમજ હું અને મારા પતિ બંને એક જ પ્રોફેશનમાં હોવાથી ફેમિલી સાથે ક્વોલિટી સમય પણ ઓછો મળે છે.
પરંતુ આ દરેક પડકાર વચ્ચે પોતાનું સ્વપ્ન પૂરું કરી ડ્રીમ જોબ મેળવી તેને નિષ્ઠાથી નિભાવવાનો અનેરો આનંદ છે. તેમણે દરેક સ્ત્રીને સાથે મળીને, એકબીજાને મદદરૂપ, માર્ગદર્શક થઈને અન્ય માટે પ્રેરણા બનવા આહ્વાન કર્યું હતું. ઓફ ધ ફિલ્ડ તેમને વાંચનનો શોખ છે. જેમાં હાલ તેઓ બાળકો સાથે સ્ટોરી બુક વાંચી ગુણવત્તાયુક્ત સમય પસાર કરે છે.
—
નિષ્ફળતાને સફળતામાં પરિવર્તિત કરનારા સુરત સાયબર સેલના DCP CA બિશાખા જૈન માટે સિવિલ સર્વિસની પરીક્ષાની સફર પડકારરૂપ રહી

બિહારમાં જન્મેલા અને વાપીના આધુનિક તેમજ શિક્ષિત મારવાડી જૈન પરિવારમાં ઉછરેલા બિશાખા જૈન શરૂઆતથી જ અભ્યાસમાં તેજસ્વી હતા. ધો.૧૨મા CBSE સ્ટેટ ટૉપર અને પ્રથમ પ્રયત્ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ(CA)ની ડિગ્રી જેવી શૈક્ષણિક સિદ્ધિઓ મેળવનાર બિશાખા માટે UPSCનો માર્ગ સરળ ન્હોતો.
પોતાના કાર્યોથી સમાજમાં એક ઊંડી છાપ છોડવાના ઉદ્દેશથી શરુ કરેલી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી તેમના માટે પડકારરૂપ રહી. UPSC માં સતત ત્રણ નિષ્ફળતા મળી, આ નિષ્ફળતા પચાવવી તેમના માટે ખૂબ મુશ્કેલ હતી. તેમણે કહ્યું કે જેણે હંમેશા પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી આગવી ઓળખ મેળવી હોય, અભ્યાસમાં હંમેશા ઉજ્જવળ દેખાવ કર્યો હોય તેના માટે સતત ત્રણ નિષ્ફળતા પોતાની જ ક્ષમતાઓ પર સવાલ ઉભો કરે એ સ્વાભાવિક હતું. મારા માટે એ સમય CHASING THE CHALLENGES નો હતો.
સામાન્ય રીતે લોકો સામાજિક અવરોધો સામે લડતા હોય છે, પરંતુ મારી લડાઈ જાત સાથે હતી. સતત સંઘર્ષમય.. જેમાં હું ઘણીવાર હતાશ અને નિરાશ થઈ પરંતુ પ્રેમ અને પરિવારની હૂંફે મેં ફરી પ્રયત્ન કર્યો. અને પાંચ વર્ષે ચોથા પ્રયત્ને મને સફળતા મળી. જેમાં મારા પરિવારની સાથે મારા જીવનસાથીની ભૂમિકા સૌથી અગત્યની રહી છે. ન માત્ર કારકિર્દી બલકે વ્યવસાય સાથે માતૃત્વની જવાબદારીઓમાં આવેલા પડકારોમાં પણ મારા પતિએ મને અને મારા નિર્ણયોને હંમેશા અગ્રતા આપી છે.
પાંચ વર્ષના ઉતાર-ચઢાવ, સફળતા- નિષ્ફળતાએ તેમના વ્યક્તિત્વને નિખાર્યું અને જીવનમાં સંતુલન રાખતા શીખવ્યું. હવે સ્થિરતાપૂર્વક ઘર અને વ્યવસાય સ્થળે પોતાની ફરજ- જાહેર સેવા, જનસેવાનો સંતોષ અનુભવી રહ્યા છે એમ તેઓ જણાવે છે.
—
*વિદેશી રાષ્ટ્રપતિને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપનારી દેશની પ્રથમ મહિલા ટુકડીને કમાન્ડ કરવાની ઉપલબ્ધિ હાંસલ કરનાર શહેરના ટ્રાફિક DCPશ્રી પન્ના મોમાયા*

વર્ષ ૨૦૦૫માં મામલતદાર, ૨૦૧૧માં DYSP અને ૨૦૧૭થી IPS અધિકારી એવા શહેરના ટ્રાફિક DCPશ્રી પન્ના મોમાયા મૂળ કચ્છના વતની છે. આશરે ૧૫ વર્ષના વ્યાવસાયિક અનુભવની સાથે શાળામાં ધ ભારત સ્કાઉટસ-ગાઈડ્સમાં પુરસ્કૃત, કોલેજ દરમિયાન સતત પાંચ વર્ષ સુધી બેસ્ટ એથલિટ રહ્યા હતા. વર્ષ ૧૯૯૫માં ગુજ. યુનિ.માં હાઇ જમ્પમાં તેમનો રેકોર્ડ આજ દિન સુધી અનબ્રેકેબલ રહ્યો છે. એશિયન ગેમ્સમાં એથ્લેટિકસમાં ભારતનું પ્રતિનિધિત્વ અને વિદેશી રાષ્ટ્રપતિને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપનારી દેશની પ્રથમ મહિલા ટુકડીનું નેતૃત્વ કરવા સુધીની અનેક ઉપલબ્ધિઓ મેળવનારા ટ્રાફિક સેક્ટર-૧ DCPશ્રી પન્ના મોમાયા અનેક યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.
શાળા દરમિયાન ધ ભારત સ્કાઉટસ-ગાઈડ્સનો ભાગ રહીને શ્રેષ્ઠ પ્રદર્શન આપનારા DCPશ્રીએ કહ્યું કે, શાળાના સમયથી જ ખાખી યુનિફોર્મ તરફના ઝુકાવને કારણે મેં આ ક્ષેત્રે કારકિર્દી ઘડવાનું નક્કી કર્યું. કોલેજ પૂરી થતાં જ સરકારી પરીક્ષાઓની તૈયારી શરૂ કરી. વર્ષ ૨૦૧૧માં ડેપ્યુટી સુપ્રિ. ઓફ પોલીસ બનતા ખાખીનું સ્વપ્ન સાકાર થયું. મનગમતા ક્ષેત્રે સતત સારા દેખાવ સાથે વર્ષ ૨૦૧૭માં IPSના નોમિનેશન હાંસલ કર્યું, જે મારા માટે ગર્વભરી ક્ષણ હતી.
કોરોના સમયે ઘરે નવજાત દીકરીને મૂકીને ફિલ્ડ પર કામ કરવું સૌથી પડકારરૂપ રહ્યું હતું. પરંતુ પરિવારના સથવારે એ સમય પણ પસાર થઈ ગયો. ખરેખર તો, ‘સ્ત્રી ધારે તે કરી શકે..’ એમ જણાવી તેમણે પોતાની ક્ષમતાઓને આધિન આગવી ઓળખ બનાવવા ઇચ્છતી દરેક સ્ત્રીને તમામ પડકારોને પાર કરી આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની શીખ આપી હતી.
જીવનના દરેક તબક્કે અનુશાસનના આગ્રહી DCPશ્રી મોમાયા અંગત જીવન અને ફરજમાં તણાવમુક્ત રહેવા સપ્તાહમાં ૪-૫ દિવસ નિયમિત ૧.૩૦ કલાક યોગ અને વ્યાયામ કરે છે.
સુરત શહેરની સુરક્ષા માટે વિવિધ વિભાગોના અધિકારીઓ તરીકે ઉત્કૃષ્ટ ફરજ બજાવી રહેલા આ મહિલા અધિકારીઓનું જીવન અનેક મહિલાઓ અને યુવાઓ માટે પ્રેરણાનું ઝરણું છે. પડકારોને પડકાર આપી સફળતા મેળવનાર આ નારીઓ વિશ્વ મહિલા દિવસે મહિલા સન્માનની સાચી હકદાર છે.



