સુરત ટ્રાફિક પોલીસ અને ટ્રુહોમ ફાઈનાન્સના સહયોગથી નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફને હેલ્મેટ વિતરણ કરાયું

સુરત ટ્રાફિક પોલીસ અને ટ્રુહોમ ફાઈનાન્સના સહયોગથી નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફને હેલ્મેટ વિતરણ કરાયું
નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના સ્ટાફને ૧૦૦૦ હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ
શહેરમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસના માર્ગદર્શન હેઠળ વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી.આ ઝુંબેશ અંતર્ગત ટ્રુહોમ ફાઈનાન્સ કંપનીના કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી હેઠળ એલિક્ઝિર ફાઉન્ડેશનના સહયોગથી નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના કર્મચારીઓને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે પણ ૧૦૦૦ જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) સજ્જનસિંહ પરમાર, નાયબ પોલીસ કમિશ્નર (સેક્ટર-૦૧) ટ્રાફિક પન્ના મોમૈયા, નાયબ પોલીસ કમિશ્નર (સેક્ટર-૦૨) ટ્રાફિક અનુપમ તેમજ ACP શાહિલ ટંડેલ દ્વારા આ વર્ષે પણ ૧૦૦૦થી વધુ હેલ્મેટ સિવિલ હોસ્પિટલના સફાઈકર્મીઓ, એક્સ-રે ટેક્નિશિયન, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસના ક્લેરિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને ડેટા ઓપરેટર સહિતના કર્મચારીઓને સુરક્ષા કવચ પૂરું પાડવાના ઉદ્દેશથી હેલ્મેટ વિતરણ કરાયું હતું.
નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, અક્માત સમયે માથાની ઈજા જીવલેણ સાબિત થતી હોય છે, ત્યારે સુરતીઓમાં હવે હેલ્મેટ પ્રત્યે સ્વીકૃતિ વધી છે અને તેનાથી ઈમરજન્સી કેસોમાં રાહત મળી છે.હેલ્મેટ એ કોઈ બોજ નહી પણ અમૂલ્ય જીવનની સલામતી માટેનું રક્ષાકવચ છે. હેલ્મેટના સતત વપરાશ અને જાગૃતિ અભિયાનોને કારણે છેલ્લા એક વર્ષમાં માથાની ગંભીર ઇજાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દરરોજ માર્ગ અકસ્માતના ગંભીર કિસ્સાઓના સાક્ષી બનતા હોય છે, ત્યારે તેઓ પોતે હેલ્મેટ પહેરીને સમાજ માટે પ્રેરણારૂપ બનતા હોય છે.
આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસો.ના નિલેશ લાઠીયા, વિરેન પટેલ, સંજય પરમાર, જગદિશ બુહા અને બિપિન મેકવાની સહિતની ટીમ અને ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી હતી.



