શિનોર તાલુકામાં રિલાયન્સ ગેસના ગ્રાહકોની હાલત કફોડી

શિનોર તાલુકામાં રિલાયન્સ ગેસના ગ્રાહકોની હાલત કફોડી
25 દિવસથી બોટલના ઠેકાણા નથી, તંત્ર અને નેતાઓ સામે જનતામાં ભારે આક્રોશ
શિનોર (સાધલી): વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં રિલાયન્સ ગેસ કંપનીના ગ્રાહકો છેલ્લા 25 દિવસથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તાલુકામાં આશરે 800 થી વધુ ગ્રાહકો રિલાયન્સ ગેસ કનેક્શન ધરાવે છે, પરંતુ છેલ્લા ત્રણ સપ્તાહથી ગેસનો સ્ટોક ન આવતા ગૃહિણીઓના રસોડા ઠપ્પ થવાની સ્થિતિ સર્જાઈ છે.
ખાલી બોટલો લઈ ગયા, પણ પુરવઠો ગાયબ
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સ કંપનીનો ટેમ્પો આવીને ખાલી બોટલો ઉઘરાવી ગયો છે, પરંતુ નવા સિલિન્ડર ક્યારે આવશે તેની કોઈ સ્પષ્ટતા નથી. હજુ પણ 20 થી 25 દિવસ સુધી ગેસ નહીં મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવતા ગ્રાહકો મૂંઝવણમાં મુકાયા છે. બીજી તરફ, ઇન્ડેન અને એચ.પી. ગેસના ગ્રાહકોને સમયસર બોટલ મળી રહી છે, જ્યારે રિલાયન્સના ગ્રાહકો સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું હોવાની લાગણી જન્મી છે.
બળતણના વિકલ્પો પણ બંધ
હાલમાં કેરોસીન મળતું નથી અને પાકા મકાનોમાં લાકડાના ચૂલા સળગાવવા શક્ય નથી. બળતણ માટે લાકડા પણ ઉપલબ્ધ ન હોવાથી મધ્યમ વર્ગના પરિવારોની મુશ્કેલી બેવડાઈ છે. આ ઉપરાંત, પંથકમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની પણ અછત હોવાથી ધંધા-રોજગાર પર અસર પડી રહી છે.
નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત, જનતા ત્રસ્ત
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કરજણ-શિનોર વિસ્તારના નેતાઓ અત્યારે માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કામોમાં અને પાર્ટીના આદેશો પાળવામાં વ્યસ્ત છે. લોકોની પાયાની જરૂરિયાત એવી ગેસની અછત બાબતે રજૂઆત કરવા છતાં નેતાઓ ‘મગરની ચામડી’ જેવી નીતિ અપનાવી રહ્યા છે અને લોકોની પીડા સમજી રહ્યા નથી.
વડોદરા જિલ્લા પુરવઠા અધિકારી અને સંલગ્ન ગેસ કંપની તાત્કાલિક અસરથી શિનોર તાલુકામાં ગેસનો નિયમિત પુરવઠો શરૂ કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.



