લોક સમસ્યા
શિનોર તથા કરજણ તાલુકા મથકે ટ્રેજરી ઓફિસ ના હોવાના કારણે કોર્ટ ફી સ્ટેમ્પ અને ટિકિટો માટે લોકોને તથા નોટરીઓને હાલાકી

- શિનોર તથા કરજણ તાલુકા મથકે ટ્રેજરી ઓફિસ ના હોવાના કારણે કોર્ટ ફી સ્ટેમ્પ અને ટિકિટો માટે લોકોને તથા નોટરીઓને હાલાકી
- કરજણ તથા સિનોર તાલુકામાં સબ જેલ ના હોવાના કારણે જિલ્લા ફેર ભરૂચ મુકામે કેદીઓને જવું પડે છે.
- વડોદરા જિલ્લાના શિનોર તથા કરજણ તાલુકા મથકે ટ્રેઝરી ઓફિસની સુવિધા ઉપલબ્ધ ના હોવાથી નોટરીની કામગીરી માટે જરૂરી ટિકિટ સ્થાનિક કક્ષાએ મળતી નથી. પરિણામે શિનોર તાલુકાના નોટરી વકીલોને ટિકિટ મેળવવા માટે ડભોઈ સુધી જવાની ફરજ પડી રહી છે. જ્યારે કરજણ ના અરજદારોને પાદરા જવું પડે છે. આ પરિસ્થિતિને કારણે નોટરી વકીલો ઉપરાંત વિવિધ સરકારી કામકાજ માટે આવતા અરજદારોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શિનોર-કરજણ તાલુકા મથક ખાતે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં રોજિંદા કામકાજ અર્થે તાલુકાના અનેક ગામોમાંથી અરજદારો આવતા હોય છે. સરકારી યોજનાઓનો લાભ મેળવવા, મહેસૂલી કામગીરી, જમીન અને મિલકત સંબંધિત વ્યવહારો, સોગંદનામાં, બાંહેધરીપત્રો, વિવિધ પ્રમાણપત્રો મેળવવા તેમજ અન્ય વહીવટી કામગીરી માટે અનેક પ્રસંગોએ નોટરી કરાવેલા દસ્તાવેજોની જરૂરિયાત ઊભી થતી હોય છે.જોકશિનોર તાલુકા મથકે નોટરીની ટિકિટ ઉપલબ્ધ ના હોવાથી નોટરી વકીલોને ડભોઈથી ટિકિટ લાવવી પડે છે. તથા કરજણ ના અરજદારોને પાદરા જવું પડે છે તેના કારણે સમય અને મુસાફરી ખર્ચનો બોજ વધવાની સાથે અરજદારોની જરૂરી દસ્તાવેજી કામગીરીમાં પણ વિલંબ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી સરકારી કામકાજ માટે આવતા ખેડૂતો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તથા સામાન્ય અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શિનોર તથા કરજણ તાલુકા મથક હોવા છતાં પણ જ્યુડિશિયલ કસ્ટડી માટે સબજેલ શિનોર કે કરજણ મુકામે ન હોવાથી કેદીઓને તથા વકીલોને જિલ્લા ફેર ભરૂચ મુકામે જવું પડે છે, ગૃહ ખાતું વહેલી તકે શિનોર અને કરજણ આ સુવિધા ચાલુ કરે એવી માંગ છે.નોટરી વકીલો તથા અરજદારોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત ટ્રેઝરી વિભાગ દ્વારા આ બાબતે સત્વરે યોગ્ય નિર્ણય લઈ શિનોર તથા કરજણ તાલુકા મથકે જ નોટરીની ટિકિટ સરળતાથી મળી રહે તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.



