ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વર્ષ ર૦ર૪–રપ માટે ૧પ કેટેગરીમાં SGCCI ગોલ્ડન જ્યુબિલી એવોર્ડથી વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરાઇ

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વર્ષ ર૦ર૪–રપ માટે ૧પ કેટેગરીમાં SGCCI ગોલ્ડન જ્યુબિલી એવોર્ડથી વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરાઇ
આ એવોર્ડ માત્ર સન્માન નહીં પરંતુ આશિર્વાદ છે, સુરતનું વોટર મેનેજમેન્ટ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી રહ્યું છે ત્યારે ‘બ્રાન્ડ સુરત’ને આગળ વધારવા પ્રયત્નશીલ રહીશું : સ્પેશ્યલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત થયેલા ડો. નિમેષ વશી
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના SGCCI ગોલ્ડન જયુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રવિવાર, તા. ૧ર એપ્રિલ, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે SGCCI ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં GCCIના પ્રમુખ અને એસ્ટ્રલ લિમિટેડના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શ્રી સંદીપ એન્જિનિયરે મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સમારોહમાં સર્વેને આવકારી સ્વાગત સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી રજનીકાંત મારફતિયાને તેમના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્યાન ઉદ્યોગની સાથે સમાજના ઉત્થાન માટે જે વ્યકિતઓ અને સંસ્થાઓ મહત્વનું કામ કરે છે તેઓને બિરદાવવાના હેતુથી SGCCI ગોલ્ડન જ્યુબીલી મેમોરીયલ ટ્રસ્ટ અને ગોલ્ડન જ્યુબીલી એવોર્ડની શરૂઆત કરી હતી. આ એવોર્ડ દ્વારા સમાજને એક સારો સંદેશો આપી શકાય છે કે, જો તમે ઇન્ડસ્ટ્રી અને સમાજ માટે નોંધનીય કાર્ય કરો તો સમાજ તમારી યોગ્ય કદર કરે જ છે અને તેને કારણે અન્યોને પણ પ્રોત્સાહન મળે છે.
સમારોહના મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવનારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તથા એસ્ટ્રલ લિમિટેડના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શ્રી સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે, તેમની કારકિર્દીની શરૂઆત પણ સુરતમાંથી જ થઈ હતી અને આ શહેરે તેમને ઘણું શીખવ્યું છે. તેમણે SGCCI ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર ઉદ્યોગ સાહસિકોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિને ખૂબ સરાહનીય ગણાવી હતી. આ પ્રકારની પહેલ ઉદ્યોગ જગતમાં નવી પ્રેરણા પૂરું પાડે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી એન્જિનિયરે જણાવ્યું હતું કે, આ ઉત્તમ પ્રવૃત્તિથી પ્રેરણા લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ આવી જ રીતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવશે. સાથે જ તેમણે ચેમ્બરને એમએસએમઇ, સ્ટાર્ટઅપ અને આંત્રપ્રિન્યોરશિપ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સ્તરે એક–બે નવા એવોર્ડનો સમાવેશ કરવા અનુરોધ કર્યો હતો.
SGCCI ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે એન્વાયરો કન્ટ્રોલ પ્રા.લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ડો. નિમેષ વશીને ‘સ્પેશ્યલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ડો. નિમેષ વશીએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ માત્ર સન્માન નહીં પરંતુ આશિર્વાદ છે. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે પર્યાવરણનું સંરક્ષણ એક ગંભીર અને પડકારજનક વિષય બની રહ્યો છે, ત્યારે પર્યાવરણના રક્ષણ માટે કાર્યરત વ્યક્તિઓ અને સંસ્થાઓને ચેમ્બર દ્વારા એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવાની પહેલ અત્યંત પ્રશંસનીય છે, જે વધુ ઉત્તમ કાર્ય માટે પ્રેરણા પૂરું પાડે છે.
ડો. વશીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં સુરત સહિત કુલ ૪પ શહેરોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, જેમાં સુરતના પ્લાન્ટને ભારત સરકાર દ્વારા પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. સુરતમાં નિવાસ કરતા હોવાને કારણે તેમને ગર્વની લાગણી થાય છે કે, સુરત શહેરનું વોટર મેનેજમેન્ટ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ‘બ્રાન્ડ સુરત’ને આગળ વધારવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.



