પોલીસ બની માવતર: ત્યજી દીધેલી નવજાત બાળકીના નામકરણ સાથે છઠ્ઠીની પોલીસ સ્ટેશનમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી

પોલીસ બની માવતર: ત્યજી દીધેલી નવજાત બાળકીના નામકરણ સાથે છઠ્ઠીની પોલીસ સ્ટેશનમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી
પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છઠ્ઠીની ઉજવણીની ગુજરાત પોલીસના ઈતિહાસની પ્રેરક ઘટના: મામૂસ બાળકીને નામ મળ્યું ‘કશિશ’
પોલીસ દ્વારા બાળકીની છઠ્ઠીના જીયાણામાં કપડાં, રમકડા, ગોદડી, બેબી કીટ સહિતની વસ્તુઓની ભેટ અપાઈ
પવિત્ર અધિક મહિનામાં કાયદાના રક્ષકો બન્યા અનાથ દીકરીના નાથ
તાપી તટે વસેલા સુરતની ભૂમિ પૂણ્યભૂમિ છે. અહીં જ્યારે પણ કોઈ આફત આવી છે કે કોઈને આશરાની જરૂર પડી છે, ત્યારે સુરતની જનતા અને અહીંનું વહીવટીતંત્ર આધાર બનીને ઊભું રહ્યું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આ વાતને સાર્થક કરતી એક ઘટનાએ ખાખી વર્દીની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે. ત્યજી દીધેલી નવજાત બાળકીની વ્હારે આવી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નામકરણ સાથે છઠ્ઠીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી કઠિન ફરજની વચ્ચે જ્યારે કાયદાના રખેવાળો એક અનાથ દીકરીના નાથ બન્યા છે.
કહેવાય છે કે નસીબદારના ઘરે જ દીકરીનો જન્મ થાય છે, પરંતુ જ્યારે આ જ વહાલના દરિયાને અંધારામાં, રસ્તાના કિનારે કે કચરાના ઢગલામાં ત્યજી દેવામાં આવે, ત્યારે હૃદય ચિરાઈ જાય તેવો સવાલ થાય કે ‘આખરે આ માસૂમ દીકરીનો શું વાંક?’ શું તેનો વાંક માત્ર એટલો જ છે કે તે એક દીકરી તરીકે જન્મી?
આ ઘટનાની વિગત એવી છે કે, ગત તા. ૨૧મી મે-૨૦૨૬ના રોજ સુરતના ઔદ્યોગિક વિસ્તાર બમરોલી રોડ ખાતે એક ફોર વ્હીલ ગાડીની નીચે કોઈ પાષાણ હૃદયના માતા-પિતા માસૂમ નવજાત બાળકીને ત્યજીને ચાલ્યા ગયા હતા. અસહ્ય ગરમી અને જોખમી સ્થિતિ વચ્ચે ત્યાંથી પસાર થતા એક સંવેદનશીલ રિક્ષાચાલકની નજર આ બાળકી પર પડી હતી. તેમણે સમયસૂચકતા વાપરી તુરંત જ સવારે ૧૧:૩૦ કલાકે કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી.
માહિતી મળતા જ પાંડેસરા પોલીસની પીસીઆર વાન ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકીની સ્થિતિ અત્યંત નાજૂક જણાતા પોલીસે ત્વરિત ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને કોલ કરી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પાંડેસરા પો. સ્ટે.ના મહિલા કર્મચારીઓની ખાખી વર્દીની પાછળ છુપાયેલી એક માની મમતા ઉજાગર થઈ હતી. સતત ૧૩ દિવસ સુધી આ મહિલા પોલીસકર્મીઓએ પોતાની સગી દીકરી હોય તેમ રાત-દિવસ બાળકીની સેવા કરી હતી. મહિલા પોલીસ કર્મચારીઓની આ મહેનત અને તબીબોની સારવાર રંગ લાવી હતી. ગઈકાલે તા.૦૬/૦૬/૨૦૨૬ ના રોજ બાળકી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ હતી.
બાળકી સ્વસ્થ થતાં જ એચ ડિવિઝનના એસીપીશ્રી ઝે.આર. દેસાઈ તથા પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર પોલીસ સ્ટાફે આ ખુશીને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. સેકન્ડ પી.આઈ. એસ.ડી.પ્રજાપતિ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. વસાવા, ડી.જે. બારોટ, એફ.એસ. ચૌધરી, એસ.ડી. સંગાળા તથા અ.હે.કો. હરદિપસિંહ ઝાલા તેમજ પાંડેસરા પોલીસની ‘શી ટીમ’ ના વુમન હેડ કોન્સ્ટેબલ ભાગ્યશ્રીબેન વાઘેલા, તેજલબા પરમાર, કેસવીબેન ચાવડા સહિતના તમામ કર્મચારીઓએ ભેગા મળીને આ માસૂમ દીકરીની ધામધૂમથી ‘છઠ્ઠી’ ઉજવણી કરી હતી.
હિન્દુ સંસ્કૃતિમાં દીકરીના જન્મ પર મોસાળ પક્ષ કે પિતા તરફથી જે ચીજવસ્તુઓ મોકલવામાં આવે છે, તે પરંપરા નિભાવતા પી.આઈ. જાડેજા એ આ માસૂમ બાળકીનું ધામધૂમથી ‘જીયાણું’ કર્યું હતું. તેમણે દીકરી માટે સોફ્ટ કોટનના નરમ કપડાં, ઝભલાં, સ્વેટર અને રાત્રે ઓઢવા માટે મુલાયમ બ્લેન્કેટ, ગોદડી, રમકડાં તેમજ બાળકીની ત્વચા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક સ્પેશિયલ ‘હેલ્થ એન્ડ હાઇજીન કીટ’ પણ તૈયાર કરી હતી. પાંડેસરા પોલીસ પરિવારે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી બાળકીનું નામકરણ કરવા છઠ્ઠીની ઉજવણી કરી હતી.
પાંડેસરા પોલીસ સ્ટેશનનો માહોલ તે દિવસે સાવ બદલાઈ ગયો હતો. ટેબલ પરની ફાઈલો બાજુ પર હતી અને આખું પોલીસ સ્ટેશન ફૂલો અને તોરણોથી શણગારાયું હતું. નિરાધાર દીકરીના જીવનના છઠ્ઠા દિવસે વૈદિક પરંપરા મુજબ ‘છઠ્ઠી ઉત્સવ’ ધામધૂમથી મનાવવામાં આવી હતી.
આ ઐતિહાસિક અને ભાવવિભોર કરનારી ક્ષણે વિધિપૂર્વક બાળકીનું નામકરણ કરવામાં આવ્યું હતું. કાયદા અને સંવેદનાના સંગમ સમાન આ દીકરીનું નામ રાખવામાં આવ્યું કશિશ. કશિશ એટલે આકર્ષણ, એક એવું ખેંચાણ જે પથ્થર દિલ માણસોને પણ પીગળાવી દે. પાંડેસરા પોલીસ દ્વારા લેવાયેલો આ નિર્ણય ગુજરાત પોલીસના ઈતિહાસમાં પોલીસ સ્ટેશન દીકરીના નામકરણ સાથે છઠ્ઠીની ભવ્ય ઉજવણીનું સાક્ષી બન્યું. કશિશને એક એવો પરિવાર મળ્યો, જે તેની સુરક્ષા માટે ચોવીસ કલાક ખડેપગે રહે છે.
અધિક મહિનાના આ પવિત્ર દિવસોમાં ખાખી ગણવેશધારી પોલીસકર્મીઓએ માનવતાનો સર્વોચ્ચ ધર્મ નિભાવીને આ માસૂમની આંગળી પકડવાનું સત્કાર્ય કર્યું છે.



