કાપડ ઉદ્યોગને કેન્દ્ર સરકારની મોટી રાહત : ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% કસ્ટમ ડયૂટી

કાપડ ઉદ્યોગને કેન્દ્ર સરકારની મોટી રાહત : ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% કસ્ટમ ડયૂટી
દેશના કાપડ અને ગારમેન્ટ ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. કપાસની આયાત પર આપવામાં આવેલી કસ્ટમ ડયૂટીની મુક્તિ વધુ બે મહિના લંબાવવામાં આવી છે. હવે ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી વિદેશમાંથી કપાસની આયાત પર કોઈ કસ્ટમ ડયૂટી ચૂકવવી પડશે નહીં. દેશમાં કપાસની ઓછી આવક અને આગામી સિઝનમાં ઉત્પાદન ઘટવાની આશંકા વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે. આ પગલાથી કાપડ મિલો અને ગારમેન્ટ ઉદ્યોગને સસ્તા ભાવે કાચો માલ મળી શકશે અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે.
નાણા મંત્રાલયે ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ જાહેરનામું નંબર ૩૫/૨૦૨૬-કસ્ટમ્સ બહાર પાડીને કપાસની આયાત પર મળતી ડયૂટી મુક્તિનો સમયગાળો લંબાવ્યો છે. અગાઉ આ છૂટ ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધી જ લાગુ હતી. હવે તેને વધારીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી કરવામાં આવી છે. અગાઉ સરકારે ૧ જૂનથી ૩૧ ઓક્ટોબર સુધી કપાસની આયાત પર લાગતી ૧૧ ટકા કસ્ટમ ડયૂટી નાબૂદ કરી હતી. હવે કાપડ ઉદ્યોગને વધુ બે મહિના સુધી આ રાહતનો લાભ મળશે.
સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે દેશમાં કપાસની ઉપલબ્ધતાને લઈને ચિંતા વધી રહી છે. વર્ષ ૨૦૨૬-૨૭ની સિઝનમાં કપાસનું ઉત્પાદન ઘટવાની આશંકા છે. વાવેતર વિસ્તારમાં ઘટાડો અને મહારાષ્ટ્ર તથા કર્ણાટક જેવા મુખ્ય કપાસ ઉત્પાદક રાજ્યોના કેટલાક વિસ્તારોમાં દુષ્કાળની અસરને ઉત્પાદન ઘટવાનાં સંભવિત કારણો માનવામાં આવી રહ્યાં છે.
નવી સિઝનના કપાસની આવક બજારોમાં શરૂ થઈ ગઈ છે, પરંતુ અપેક્ષા કરતાં ઓછો જથ્થો મંડીઓ સુધી પહોંચી રહ્યો છે. બીજી તરફ, સારા ભાવની આશામાં ખેડૂતો પણ પોતાની ઉપજ વેચવામાં ઉતાવળ કરી રહ્યા નથી. આ સ્થિતિને કારણે બજારમાં કપાસના પુરવઠા પર અસર પડી રહી છે.
ઉપલબ્ધ આંકડા મુજબ દેશની મંડીઓમાં દરરોજ આશરે ૭૦ હજારથી ૮૦ હજાર ગાંસડી કપાસની આવક થઈ રહી છે. કપાસની એક ગાંસડીનું વજન ૧૭૦ કિલોગ્રામ હોય છે. બજારની અપેક્ષા પ્રમાણે આ આવક ઓછી માનવામાં આવે છે. ૨૩ ઓક્ટોબર સુધી દેશમાં કુલ આશરે ૧૫ લાખ ગાંસડી કપાસની આવક નોંધાઈ હતી. બીજી તરફ, આ સિઝનમાં કપાસનો વપરાશ આશરે ૨૩ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. દિવાળી બાદ મંડીઓમાં કપાસની આવક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કપાસની આયાત પર કસ્ટમ ડયૂટી મુક્તિ લંબાવવાથી દેશની કાપડ મિલોને વિદેશમાંથી સસ્તા ભાવે કપાસ ખરીદવાની તક મળશે. આયાત પર ૧૧ ટકા કસ્ટમ ડયૂટી નહીં લાગતાં કંપનીઓનો ખર્ચ ઘટી શકે છે. ખાસ કરીને નાની અને મધ્યમ કક્ષાની કાપડ કંપનીઓને આ નિર્ણયથી રાહત મળવાની શક્યતા છે. કાચા માલના વધતા ભાવને કારણે કાપડ ઉદ્યોગ પર ઉત્પાદન ખર્ચનું દબાણ રહેતું હોય છે. હવે આયાત પરની છૂટથી ઉદ્યોગોને રાહત મળી શકે છે. એક તરફ આયાત ડયૂટીમાં મુક્તિથી કાપડ મિલોને ફાયદો થઈ શકે છે, તો બીજી તરફ વિદેશથી કપાસની આયાત વધવાથી સ્થાનિક બજારમાં પુરવઠો વધી શકે છે. આવી સ્થિતિમાં સ્થાનિક કપાસના ભાવ પર દબાણ આવવાની શક્યતા પણ છે. તેથી આ નિર્ણયથી કાપડ ઉદ્યોગને રાહત મળવાની સાથે સ્થાનિક કપાસના ખેડૂતો પર તેની શું અસર પડે છે તે પણ જોવું મહત્વપૂર્ણ રહેશે.



