ગુજરાત

એએસજી હોસ્પિટલ લિમિટેડે ફટાકડાથી આંખમાં ઈજા પામતાં બાળકોની સારવાર માટે ‘સુરક્ષિત આંખેં, સુરક્ષિત દિવાળી’ અભિયાન શરૂ કર્યું

ગુજરાત, 4 નવેમ્બર, 2026: એએસજી હોસ્પિટલ લિમિટેડે તહેવારોની મોસમ દરમિયાન બાળકોની આંખોની સુરક્ષા માટે ‘સુરક્ષિત આંખેં, સુરક્ષિત દિવાળી’ પહેલ શરૂ કરી છે. આ પહેલ હેઠળ, ફટાકડાથી આંખમાં ઈજા પામતાં 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર, CSR) કાર્યક્રમ હેઠળ એએસજી આઈ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. આ પહેલ 4 નવેમ્બર, 2026થી 14 નવેમ્બર, 2026 સુધી 95થી વધુ શહેરોમાં આવેલા એએસજી આઈ હોસ્પિટલના 200થી વધુ સેન્ટર્સ પર અમલમાં રહેશે. આ અભિયાનનો એક સરળ સંદેશ છે – જવાબદારીપૂર્વક ઉજવણી કરો અને દરેક બાળકની આંખોમાં રહેલી ચમકને સુરક્ષિત રાખો. આ પહેલ અંતર્ગત આપવામાં આવતી સારવારમાં પ્રાથમિક સારવાર, આંખની તાત્કાલિક સંભાળ, દવાઓ અને જરૂર જણાય તો શસ્ત્રક્રિયા (સર્જરી)નો સમાવેશ થાય છે. ચશ્મા જેવી દ્રષ્ટિ સંબંધિત વસ્તુઓ આમાં સામેલ નથી; આ ઉપરાંત, નિયમો અને શરતો લાગુ પડે છે. પરિવારો માર્ગદર્શન મેળવવા અને નજીકના સહભાગી કેન્દ્ર વિશે જાણકારી મેળવવા માટે સમર્પિત હેલ્પલાઇન નંબર 1800 1200 111 પર સંપર્ક કરી શકે છે.
દરેક દિવાળીએ ફટાકડાને કારણે આંખમાં ઈજા થવાના કિસ્સાઓ વધે છે અને આમાં મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે. આંખના આગળના ભાગમાં આવેલા પારદર્શક પડદા (કોર્નિયા) અને અન્ય ભાગોને થતી ઈજાઓ સૌથી સામાન્ય છે. આંખના નિષ્ણાંત દ્વારા સમયસર સારવાર ન મળે તો આવી કેટલીક ઈજાઓ દ્રષ્ટિને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. ઈજા થયા પછીના શરૂઆતના થોડા કલાકો આંખ કેટલી સારી રીતે સાજી થશે તે નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગયા વર્ષે દિવાળી દરમિયાન એએસજીના સેન્ટર્સ પર ફટાકડાથી આંખમાં ઈજા પામેલાં 500થી વધુ બાળકોની સારવાર કરવામાં આવી હતી.
એએસજી આઈ હોસ્પિટલના ગ્રૂપ સીઓઓ ડૉ. વિકાસ જૈને જણાવ્યું હતું કે, “બાળકોને ફટાકડાથી આંખમાં થતી મોટાભાગની ઈજાઓ અટકાવી શકાય છે. જોકે, જો કોઈ બાળકને ઈજા થાય તો તેને આંખના નિષ્ણાંત સુધી કેટલી ઝડપથી પહોંચાડવામાં આવે છે તે ખૂબ મહત્વનું છે. તહેવારો દરમિયાન દર્દીઓની સંખ્યા વધે ત્યારે પણ યોગ્ય સારવાર મળી રહે તે માટે દેશભરમાં અમારી ટીમો ઈજાના કિસ્સાઓમાં તાત્કાલિક સારવાર માટેની નિર્ધારિત પ્રક્રિયાઓ સાથે તૈયાર છે. અમે પરિવારોને અપીલ કરીએ છીએ કે ઘરગથ્થુ ઉપચારોનો આશરો ન લે અને બાળકને ઈજા થાય તો તરત જ અમારી હેલ્પલાઇન પર સંપર્ક કરે.”
એએસજી હોસ્પિટલ લિમિટેડના ગુજરાતના સીઓઓ ડૉ. રાઘવ રવાણીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં દિવાળી અને ત્યારબાદ આવતી નવા વર્ષની ઉજવણી પરિવાર સાથે આનંદ માણવા, રંગો અને ઉત્સાહથી ભરેલા તહેવારોની મજા માણવાનો સમય છે. બાળકો પણ આ ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આંખો અત્યંત કિંમતી અને નાજુક હોવાથી ફટાકડાથી સુરક્ષિત અંતર જાળવવું અને બાળકોની નજીક કોઈ પુખ્ત વયની વ્યક્તિ હાજર રહે તે ખૂબ જરૂરી છે. જો કોઈ બાળકને ઈજા થાય તો અમે પરિવારોને અપીલ કરીએ છીએ કે તેઓ અમારી હેલ્પલાઇન પર સંપર્ક કરે અને વિલંબ કર્યા વિના નજીકના એએસજી આઈ હોસ્પિટલના સેન્ટરમાં અથવા આંખોની સારવાર આપતી અન્ય કોઈ નજીકની ક્લિનિક કે હોસ્પિટલમાં બાળકને લઈ જાય.”
એએસજી આઈ હોસ્પિટલ દ્વારા પરિવારોને નીચે જણાવેલી પાંચ સરળ સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવે છે:
1. સુરક્ષિત અંતર જાળવો: ફટાકડા સળગાવતી વખતે હાથથી પૂરતું અંતર રાખો. શક્ય હોય ત્યાં સુધી લાંબી અગરબત્તીનો ઉપયોગ કરો અને ફટાકડો સળગાવ્યા બાદ તરત જ પાછળ હટી જાઓ.
2. આંખોની સુરક્ષા માટે ચશ્માં પહેરો: બાળકો અને ફટાકડા સળગાવતી વ્યક્તિઓએ આંખોની સુરક્ષા માટેનાં ચશ્માં પહેરવાં જોઈએ.
3. બાળકો પર નજર રાખો: બાળકોને પુખ્ત વયની વ્યક્તિની દેખરેખ હેઠળ જ ફટાકડા સળગાવવા દો.
4. ફટાકડા સળગાવતી વખતે તેની ઉપર ન ઝૂકો: ફટાકડો સળગાવતી વખતે તેની ઉપર નમવું નહીં. જો ફટાકડો સળગે નહીં તો તેને ફરીથી સળગાવવાનો પ્રયાસ કરવા તેની નજીક જવું નહીં.
5. ઈજાગ્રસ્ત આંખને ક્યારેય ઘસશો નહીં: આંખ ઘસવાથી તેમાં ફસાયેલા કણો વધુ ઊંડે જઈ શકે છે અને ઈજા વધુ ગંભીર બની શકે છે.
જો કોઈ બાળકને આંખમાં ઈજા થાય તો તેને શાંત રાખો અને બંને આંખોની હલનચલન શક્ય તેટલી ઓછી થાય તેનું ધ્યાન રાખો. આંખને ઘસશો નહીં કે તેના પર દબાણ ન કરો. આંખમાં કંઈક ફસાયું હોય તો તેને જાતે કાઢવાનો પ્રયાસ પણ ન કરો. આંખ પર પાણીનો જોરદાર પ્રવાહ ન નાખો તેમજ કાજળ, મલમ, આંખનાં ટીપાં કે કોઈ ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ ન કરો. કાગળના કપના નીચેના ભાગ જેવી સ્વચ્છ વસ્તુથી આંખ પર હળવેથી ઢાંકણ મૂકો, પરંતુ આંખ પર કોઈ દબાણ ન આવે તેનું ધ્યાન રાખો. ત્યારબાદ 1800 1200 111 નંબર પર હેલ્પલાઇનનો સંપર્ક કરો અને બાળકને તાત્કાલિક નજીકના એએસજી આઈ હોસ્પિટલના સેન્ટરમાં અથવા આંખની કટોકટીની સારવાર આપતી સુવિધા પર લઈ જાઓ. આંખના નિષ્ણાંત દ્વારા સમયસર સારવાર મળવાથી દ્રષ્ટિ પાછી મેળવવામાં મદદ મળી શકે છે અને દ્રષ્ટિ કાયમ માટે ગુમાવવાનું જોખમ ટાળી શકાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button