કૃષિ

સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના કચેરીની ‘ટીસ્યુ કલ્ચર બનાના યોજના’ થકી માંડવી તાલુકાના વરેલી ગામના ખેડૂત ધનસુખભાઈ વસાવા આત્મ નિર્ભર બન્યા

યોજના હેઠળ ધનસુખ ભાઈને ૧ એકર જમીન માટે ૧૨૦૦ ટીસ્યુ કલ્ચર બનાના પ્લાન્ટ, ૪૦ બેગ સિટી કમ્પોઝ, ૮બેગ યુરિયા,૬ બેગ પોટાસ અને અન્ય ફૂગનાશક દવાઓનો લાભ મળ્યો

ટીસ્યુ કલ્ચર બનાના યોજના’ અન્વયે માત્ર રૂ.૩૦ હજારના ખર્ચની સામે મને રૂ.૨ લાખનો નફો મળશે:
‘મારી અને મારા કુટુંબની પ્રગતિ અને આત્મનિર્ભરતાનો શ્રેય સરકારને આભારી’:
– લાભાર્થી ખેડૂત ધનસુખભાઈ

૫૦૦ રૂપિયા લોક ફાળો અને ૫૪ હજારની યુનિટ કોસ્ટ હેઠળ ૧ એકર જમીન માટે ૧૨૦૦ ટીસ્યુ કલ્ચર બનાના પ્લાન્ટનું વાવેતર

સુરત: ગુરુવાર: ખેડુતો આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે ત્યારે આદિજાતિ વિકાસ વિભાગની સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના કચેરી દ્વારા ‘ટીસ્યુ કલ્ચર બનાના યોજના’ અમલમાં મુકવામાં આવી છે. જેનો હેતુ આદિજાતિ ખેડૂતોને આધુનિક ખેત વ્યવસ્થા દ્વારા રોજગારીની તકો પૂરી પાડી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો છે.
સુરતના માંડવી તાલુકાના વડેલી ગામના ધનસુખભાઈ વસાવા જેઓ પહેલા સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા હતા. તેમની ૩ દિકરી અને ૧ દીકરો છે તેમના પરીવારમાં હાલ 6 સભ્યો છે, તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ખેતી કરી રહ્યા છે. ધનસુખભાઇ પાસે ૫ વિંઘા જમીન છે જેમાં શેરડી, ડાંગર અને સિઝન પ્રમાણે શાકભાજી કરી આવક મેળવે છે. સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના કચેરી માંડવી દ્વારા ટીસ્યુ કલ્ચર બનાના યોજના અંતર્ગત લાભ મેળવ્યો છે. આ યોજના હેઠળ તેમણે ૫૦૦ રૂપિયા લોક ફાળો અને ૫૪ હજારની યુનિટ કોસ્ટ હેઠળ ૧ એકર જમીન માટે ૧૨૦૦ ટીસ્યુ કલ્ચર બનાના પ્લાન્ટનું વાવેતર કર્યું છે.
કેળાંની ખેતી કરતાં ધનસુખભાઈ જણાવે છે કે, વર્ષ ૨૦૨૧-૨૨માં કેળાંના રોપા માટે ઓનલાઇન અરજી કરી હતી અને મારી અરજી મંજૂર થઈ ગઈ હતી. આ યોજનામાં મને ૧૨૦૦ કેળાંના રોપા આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ મને ખાતર આપવામાં આવ્યું જેમાં ૪૦ બેગ સિટી કમ્પોઝ, ૮બેગ યુરિયા,૬ બેગ પોટાસ અને અન્ય ફૂગનાશક દવાઓ પણ મળી હતી. એક એકરમાં ૧૨૦૦ રોપાનું વાવેતર કરી હવે કેળાંનો પાક તૈયાર થયો છે. વાવેતર પાછળ થતાં ખર્ચની વિગત આપતા તેમણે જણાવ્યું કે, નિદામણ અને ખેડમાં કુલ ૮૦-૯૦ હજારનો ખર્ચ થાય છે. જેમાં સરકારની સહાય મળવાથી લગભગ 30 હજાર રૂપિયાનો ખર્ચ જ મારે ભોગવવો પડે છે.
કામરેજ મંડળીના ભાવ ખેતરેથી વેપારીઓ કેળા લઈ જાય છે એટલે વેચાણ માટેની ચિંતા રહેતી નથી સાથે સાથે વાહનભાડાનો ખર્ચ પણ આપવો પડતો નથી. આધુનિક જમાનામાં ખેતી કરવી ખૂબ સરળ બની હોવાનું તેમણે જણાવ્યું હતું.
૧૨૦૦ રોપાના વાવેતર થકી તૈયાર થયેલા ઉત્પાદનના વળતર વિષે તેમણે કહ્યું કે, રૂ.૧૩થી ૧૫ના ભાવ આધારે મને કુલ વાવેતરના રૂ.૨.૫૦ લાખનું વળતર મળશે. અને તમામ ખર્ચા બાદ કરતા મને રૂ.૨ લાખનો નફો મળશે. સરકાર તરફથી મળેલી સહાય થકી હું આત્મનિર્ભર બન્યો છું એમ જણાવતા તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો અને તેમના કુટુંબની આર્થિક આત્મનિર્ભરનો શ્રેય સરકારને આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button