સ્પોર્ટ્સ

સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત ડી.ડી.પી.કપ વોલીબોલ સ્પર્ધા-૨૦૨૩નો શુભારંભ કરતાં સાસંદ સી.આર.પાટીલ

પોલીસ કર્મીઓ માટે ડી.ડી.પી.કપ વોલીબોલ સ્પર્ધા એક નવો વિક્રમ રચશેઃ પોલીસ કમિશનર અજય તોમર

સુરતઃશુક્રવારઃ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી. આર.પાટીલના વરદ્દહસ્તે સુરત શહેર પોલીસ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ડી.ડી.પી.કપ વોલીબોલ સ્પર્ધા-૨૦૨૩નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને મેયર દક્ષેશભાઈ માવાણીની વિશેષ ઉપસ્થિત રહી હતી.

ડી.ડી.પી.કપ વોલીબોલ સ્પર્ધા-૨૦૨૩માં પુરૂષ વિભાગમાં ૧૦ ટીમો અને મહિલા વિભાગમાં ૭ ટીમોએ ભાગ લીઘો છે. આ તમામ ટીમોને મહાનુભવો દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે સાસંદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પોલીસ જવાનો આંતરીક પડકારોનો સામનો કરી રાત-દિવસ પ્રજાજનોની સેવા માટેના કામો કરે છે,ત્યારે પોલીસ જવાનોના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે વોલીબોલ સ્પર્ધા મહત્વપુર્ણ સાબિત થશે.૨૪ કલાક કામ કરતાં કરતાં રમત-ગમત ક્ષેત્રમાં પણ પોતાનું મહત્વનું યોગદાન આપતા પોલીસ વિભાગના ખેલાડીઓની તંદુરસ્તી અન્ય પોલીસ જવાનો કરતાં વધુ સારી હોય છે,જેથી વોલીબોલ સહિતની વિવધ સ્પર્ધામાં પોલીસ જવાનોએ ભાગ લેવો જોઇએ જેથી એમની તંદુરસ્તી જળવાઇ રહેશે.

વઘુમાં તેમણે કહ્યું હતું કે, પોલીસ પરેડમાં મહિલા પોલીસ અને પુરૂષ પોલીસનો જુસ્સો જોઈ ૨૪ વર્ષ પહેલાની યાદો તાજા થઇ છે.૧૯૮૯માં પોલીસ વિભાગમાં રાજીનામુ આપ્યું ત્યારે પોલીસ ભાઇબંધો સાથે વોલીબોલ રમ્યાં હતાં. પોલીસની કોઇપણ કામગીરીમાં ટીમ વર્ક ખૂબ મહત્વનું છે. કોઇ મોટા નેતા-મહાનુભાવોની વિઝીટ અને મોટા તહેવારોની ઉજવણી દરમિયાન કરાતો પોલીસ બંદોબસ્ત કે પછી કોઈ પણ ગુનાનું ડિટેકશન એ પોલીસ ટીમ વર્કનું સૌથી મોટું ઉદાહરણ છે. માર્ગદર્શક અધિકારીઓ જુદી જુદી ટીમો બનાવી એમને જુદા જુદા કાર્યો સોંપી ટીમ વર્કનું મેનેજમેન્ટ કરતા રહે છે. સુચારૂ પદ્ધતિથી શાંતિ, સલામતીની વ્યવસ્થા જળવાયેલી રહે એ માટેનાં સફળ પ્રયાસો કરતા રહે છે. એ જ રીતે આ વોલીબોલની રમત પણ વ્યક્તિગત રમત કરતા વિપરીત એક ટીમ વર્કની રમત છે, જેમાં બધા ખેલાડીઓનુ યોગદાન હોવું અત્યંત જરૂરી છે. વોલીબોલની રમતમાં વ્યક્તિગત રીતે જીતી શકાતી નથી, એમાં માત્રને માત્ર ટીમ વર્કથી જ સફળતા મેળવી શકાય છે.ત્યારે તમામ ખેલાડીઓએ ખેલદિલી સાથે રમતના નિયમોનું પાલન કરવો અનુરોધ સાસંદશ્રીએ કર્યો હતો.

શહેર પોલીસ કમિશનરશ્રી અજય તોમરે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે,નાગરિકોની સેવા, સલામતી અને શાંતિ માટે પોલીસકર્મીઓ રાત-દિવસ ખડેપગે રહે છે. ફિઝીકલ વર્કઆઉટ એમનાં માટે ખૂબ મહત્વનું અને જરૂરી પરિબળ છે પણ તપાસ, બંદોબસ્ત, અસામાજીક તત્વો પર કાબૂ, પેટ્રોલિંગ, કોમ્બિંગ આ બધી અનેક જવાબદારીઓ વચ્ચે પોલીસ કર્મીઓ એમની ફિટનેસ પર આપવું જોઇએ એટલું ધ્યાન આપી શકતા નથી. રમત-ગમતની આવી પ્રવૃત્તિઓ પોલીસ કર્મીઓની ફિટનેસ માટે તો જરૂરી છે.જેનાથી એમની અંદર ચપળતા, સમયસૂચકતાનો પણ વિકાસ થશે. એશિયન ઓલમ્પિકમાં પણ પોલીસ વિભાગના ખેલાડીઓએ ભારતનાં હિસ્સે અભૂતપૂર્વ ગૌરવ મૂકી આપ્યું છે. આપણાં ખેલાડીઓ વૈશ્વિક લેવલ પર ભારતનું નામ વધુ મજબૂત કરી રહ્યા છે.

પોલીસ કર્મીઓ માટે ડી.ડી.પી.કપ વોલીબોલ સ્પર્ધા એક નવો વિક્રમ રચશે.
આ પ્રસંગે વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિશ્રી કિશોરસિંહ ચાવડા,પોલીસ અધિકારીશ્રીઓ,પોલીસ કર્મીઓ,વિવિધ શહરેના પોલીસ વિભાગના ખેલાડીઓ સહિત શહેરીજનો ઉસ્થિત રહ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button