વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકાસકામો સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ
ભવિષ્યની વસ્તીને ધ્યાને લઈને પાણીનું સુદઢ આયોજન ધડી કાઢવાનો અનુરોધ કરતા મંત્રી મુકેશભાઈ પટેલઃ
સુરતઃ શુક્રવારઃ- વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુરત શહેર વિકાસ સત્તામંડળ, પાણીપુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે વિકાસકામો બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
સુરત સરકીટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં ગ્રામ પંચાયતોમાં નવી સોસાયટીઓના નિર્માણના કારણે વસ્તી ઝડપથી વધી રહી છે ત્યારે આગામી ૨૦૩૬ અને વર્ષ ૨૦૪૭ની વસ્તીને પાણીની જરૂરીયાત મુજબ આયોજન થાય તે જરૂરી છે. ગ્રામ પંચાયતો પાણી પુરવઠાની લાઈનોમાંથી ડાયરેકટ પાણી ન લેતા સંપો બનાવી પાણી લે તે જરૂરી જેથી સૌને જરૂરીયાત મુજબનું પાણી મળી રહે. જયાં પણ પાણી લીકેજની સમસ્યા સર્જાય ત્યારે તત્કાલ તેની મરામત કરવાની તાકીદ પાણી પુરવઠાના અધિકારીઓને કરી હતી. ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને લઈને નવા સંપોનું નિર્માણ થાય, જુના સંપોની સમયસર મરામત થાય તે માટેનું આયોજન ધડી કાઢવા પાણી પુરવઠાના અધિકારીઓને જણાવ્યું હતું.
સુડા વિસ્તારની સોસાયટીઓમાંથી નીકળતુ ગંદુ પાણી ટ્રીટ થઈ શકે તે માટે ફરજીયાત પણે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને તે જરૂરી છે જેથી દરેક સોસાયટીઓને એસ.ટી.પી. પ્લાન્ટ ઉભા કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવા સંબધિત અધિકારીઓને સુચના આપી હતી. દરિયામાં વહી જતુ પાણીને અટકાવીને દરિયા કિનારાના તળાવોમાં નાખવા અંગે આયોજન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત પંડિત દિન દયાળના આવાસો સમયસર મજુર કરવા તે માટે નાયબ નિયામક વિકસતી જાતિના અધિકારીને મહિનામાં એક વાર ઓલપાડ તાલુકા પંચાયત કચેરીએ હાજર રહેવાની સુચના મંત્રીશ્રીએ આપી હતી.
બેઠકમાં ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈ, નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા તથા ઓલપાડ પ્રાંત અધિકારીઓ, સુડા, પાણી પુરવઠા, સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.