નેહરૂ યુવા કેન્દ્રના યુવા આદાન પ્રદાન કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો
યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ કાશ્મીરથી ૧૫૦ યુવાનો સુરતના છ દિવસીય પ્રવાસે આવ્યા હતા

સુરત:શનિવાર : કાશ્મીરી ખીણમાં યુવાનો આંતકવાદ જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે કાશ્મીરી યુવાનો એકતા અને દેશપ્રેમની ભાવના કેળવે, કટ્ટરપંથી પ્રવૃતિઓથી દૂર રહી પોતાનો સર્વાંગી વિકાસ સાધે એ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા સુરતમાં આયોજિત યુવા આદાન પ્રદાન કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં કાશ્મીરથી સુરત આવેલા ૧૫૦ યુવાનોએ છ દિવસીય પ્રવાસ દરમિયાન તેમના અનુભવો અને મંતવ્યો વર્ણવ્યા હતા. આ વેળાએ મેયરશ્રી દક્ષેશ માવાણી તેમજ નેહરૂ યુવા કેન્દ્ર સંગઠનના રાજ્ય નિદેશક શ્રીમતી મનીષાબેન શાહની ઉપસ્થિતિમાં ગરબા, સ્થાનિક નૃત્યો, યોગ, પ્રાણાયામ, કેમ્પ ફાયર, સ્પોર્ટ્સ, મનોરંજન જેવા પાસાઓને આવરી લેતો કાર્યક્રમ સૌએ માણ્યો હતો. ૧૫૦ યુવાનોએ ગરબાના સ્ટેપ્સ પણ શીખ્યા હતા.
સુરતની મુલાકાતમાં આ યુવાનોએ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝલક મેળવી હતી અને ઔદ્યોગિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત મેળવી વ્યાપાર રોજગારની નવી તકો અંગે વાકેફ થયા હતા. સમગ્ર કાર્યકમનું આયોજન નેહરૂ યુવા કેન્દ્ર-સુરતના જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ કરાયું હતું, જેમાં નવસારી, વલસાડ અને સિલવાસાના જિલ્લા યુવા અધિકારીઓ અને કાર્યક્રમ સંયોજકોના સહયોગ રહ્યો હતો.
આ પ્રસંગે સિનીયર સિવિલ જજ શ્રી સી.આર. મોદી, મનપાની પબ્લીક ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેનશ્રી સોમનાથ મરાઠે, નિવૃત્ત IAS ઓફિસર આર. જે. પટેલ, અપૂર્વ પંડ્યાએ ઉપસ્થિત રહીને યુવાઓને પ્રોત્સાહિત કર્યા હતા.