લાભાર્થીઓ સાથે મંત્રીશ્રીઓએ સંવાદ સાધ્યો: જરૂરિયાતમંદ લાભાર્થીઓને યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા

સુરત:શુક્રવાર: છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશથી ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવી પહોંચ્યો હતો, જ્યા સુરત જિલ્લાના ૫૬૫ ગામોમાં પરિભ્રમણ કરી ૫૬૬માં ગામમાં આવીને યાત્રાનું સમાપન થયું હતું. ગ્રામવાસીઓ સાથે રેલવે રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઉમળકાભેર સ્વાગત કરી સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન કર્યું હતું. કાર્યક્રમમાં વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મંત્રીશ્રીઓના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
રેલવે રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, સંકલ્પ યાત્રા ગામે ગામ ફરીને માણસોને કેન્દ્ર અને રાજ્ય સરકારની બહુવિધ યોજનાઓના લાભો આપી રહી છે. સુરત જિલ્લામાં તા.૧૫મી નવેમ્બરે બારડોલીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત
કરવામાં આવી હતી. ૫૬૫ ગામોમાં પરીભ્રમણ કરી આજે સરોલી ગામે સમાપન થયુ છે. વિકસિત ભારત યાત્રાએ ગામોમાં ભ્રમણ કરી જરૂરિયાતમંદ લોકોને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરી લોક જાગૃતિ આણવી યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડૂતો કિસાન સન્માન નિધિ યોજના થકી આર્થિક સહાય મેળવી રહ્યા છે. નમો ડ્રોન દીદીમાં બહેનોને તાલીમ થકી ડ્રોન ઉડાવવા માટે તૈયાર કરાશે. પ્રાકૃતિક ખેતી ઉપયોગ જમીનને ફળદ્રુપ બનાવી લોકોને બીમારીઓથી મુક્ત અને તેમના આરોગ્યમાં સુધારો કરવા તેમણે અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરાવી હતી જે લોકવ્યાપી બની ઘરે ઘરે અને ગામે ગામ સ્વચ્છ બની રહ્યા છે ત્યારે સ્વચ્છતાની ઝુંબેશને આગળ વધારીને આપણા ગામને સ્વચ્છ બનાવીએ એમ તેઓએ ઉમેર્યું હતું.