બપોરના સમયે બહાર ન નીકળવા આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલનો અનુરોધ
બપોરના સમયે બહાર ન નીકળવા આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલનો અનુરોધ
આરોગ્ય વિભાગના અધિકારીઓને અગમચેતીના પગલાઓ લેવા અનુરોધ
સુરત:શુક્રવાર:- સુરત આવેલા આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલે જણાવ્યું હતું કે, રાજયભરમાં હીટ સ્ટ્રોકથી રક્ષણ મેળવવા માટે સાવચેતી એજ સલામતી સાથે લોકોને જરૂરી પગલાઓ લેવા અને કામ વિના બહાર ન નીકળવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, એપ્રિલ મહિનાની શરૂઆતમાં ઉનાળાની ગરમીના કારણે રાજયભરમાં ૧૦૮માં દૈનિક ૫૦ કેસો નોંધાયા હતા. જેમાં છેલ્લા ચાર દિવસથી હિટસ્ટ્રોકના કારણે વધીને કેસોની સંખ્યા અનુક્રમે ૧૦૬, ૧૩૨, ૧૮૮ અને ગઈકાલે રાજ્યભરમાં ૨૨૪ કેસો નોંધાયા છે. તાપમાન વધવાને કારણે કેસોની સંખ્યા વધી રહી છે. લોકોને બપોરના સમયે કામવિના બહાર ન નીકળવા અપીલ કરી હતી. લોકોને પાણી, લીંબુ શરબત, ઓ. આર.એસ.નું પાણી પોતાની સાથે રાખવા અપીલ કરી હતી. દિવસમાં ત્રણ થી ચાર લીટર પાણી પીવુ હિતાવહ છે. બપોરના સમયે બાળકો તથા મોટી ઉમરના વ્યકિતઓએ બહાર ન નીકળવાનો અનુરોધ કર્યો હતો. બાંધકામ સાઈટ પર બપોરના ૧૨.૦૦થી ૪.૦૦ વાગ્યા સુધી કામ ન કરવા સુચના આપવામાં આવી છે. સુરત કોર્પોરેશન દ્વારા બસ સ્ટેશનો પર પાણી, ORSની વ્યવસ્થા તથા ભિક્ષુકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. હવામાનની આગાહી મુજબ ત્રણ દિવસ હીટવેવ ચાલનાર હોવાનું તેમણે કહ્યું હતું.