આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને માંડવી ખાતે કિશોરી મેળો સહ મહિલા જનજાગૃતિ સંમેલન યોજાયું
માંડવી ઘટકના ૩૩૬ બાળકો માટે આદિજાતિ મંત્રીના હસ્તે પોષણ કીટનું વિતરણ

સિકલસેલના દર્દીઓને અગાઉ ૪૦ હજારની સહાય મળતી હતી, આ સહાયમાં હવે સરકારે વધારો કરીને રૂ.૫ લાખ કરી છે
રાજ્ય સરકાર દ્વારા ગાય-ભેંસની ખરીદી પર મળતી રૂ.૪૨ હજારની સહાયને વધારીને રૂ.૬૦ હજાર કરાશે
આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ
સુરત:શુક્રવાર: આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષતામાં માંડવીની ખેતી પાક રૂપાંતર સહકારી મંડળી ખાતે આઇ.સી.ડી.એસ. અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ’સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’ થીમ અંતર્ગત કુપોષણથી સુપોષિત બાળક તરફ, સિકલસેલ રોગ નિયંત્રણ, ટી.બી.મુક્ત ગ્રામ પંચાયત તેમજ આઈ.સી.ડી.એસની પુર્ણા યોજના અંતર્ગત કિશોરી મેળો તેમજ આશા અને આંગણવાડી કાર્યકર બહેનો માટે જનજાગૃત્તિ સંમેલન યોજાયું હતું.
મંત્રીશ્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ આશા બહેનોનું સન્માન કરાયું હતું. ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રિશન કીટ, સિકલસેલ સહાયના લાભાર્થીઓને સહાયના મંજૂરીપત્ર, માંડવી ઘટકના ૩૩૬ કુપોષિત બાળકોને પોષણ કીટ, માંડવી ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ આશા અને આંગણવાડી બહેનોએ સિકલસેલ એનિમિયા, રાજ્ય સરકારની આઇ.સી.ડી.એસ. વિભાગની યોજનાઓ વિશે રસપ્રદ નાટક રજૂ કર્યું હતું. અહીં મહિલાઓએ બનાવેલી વિવિધ વાનગીઓનું નિદર્શન કરાયું હતું. ઉપરાંત, બહેનોને રોજિંદા આહારમાં લેવાતી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સંસદ અને વિધાનસભામાં ૩૩ ટકા મહિલા અનામત બિલ સર્વાનુમતે પસાર કરાવી મહિલાઓને સશક્ત કરવાની આગવી પહેલ કરી છે. રાજ્ય સરકારે આશા વર્કર બહેનોના વેતનમાં રૂ.૨૫૦૦ નો વધારો કર્યો છે. અગાઉ જિલ્લા પંચાયતમાંથી સિકલસેલના દર્દીઓને રૂ.૪૦ હજારની સહાય મળતી હતી, જેમાં વધારો કરીને આ સહાય રૂ.૫ લાખ કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા બાળકોને સુપોષિત બનાવવાનું બીડું ઝડપ્યું છે. ઉપરાંત, દૂધ મંડળીઓના મકાનો પર આવનાર દિવસોમાં સોલાર પેનલ લગાવી વિજ બિલો શૂન્ય કરવાનો લક્ષ્યાંક છે. રાજ્ય સરકાર દ્વારા ગાય-ભેંસની ખરીદી પર મળતી રૂ.૪૨ હજારની સહાયને વધારીને રૂ.૬૦ હજાર કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, તા.પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો ગીતાબેન અને ચેતનાબેન પટેલ અને અનિલભાઈ, નગરપાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ, સી.ડી.પી.ઓ. હંસાબેન માળવી, પૂર્ણા કન્સલ્ટન્સ જિજ્ઞેશભાઈ, આરોગ્ય વિભાગના ડૉ. કૌશિક મહેતા, આરોગ્ય વિભાગના સ્ટાફ અને મોટી સંખ્યામાં આંગણવાડી-આશા વર્કર બહેનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.