સુરત:શુક્રવાર: સક્રિય જનભાગીદારી સાથે રાજ્યભરમાં ચાલી રહેલા સ્વચ્છતામાં મહાયજ્ઞ સમાન ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા અને પી.પી. સવાણી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ‘ઝીરો વેસ્ટ ઇવેન્ટ’ની માર્ગદર્શિકાને અનુસરીને પી.પી. સવાણી શાળામાં સંકલિત બાળ સંવાદ અને બાળ મેળો યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતાની આપણા જીવનમાં હકારાત્મક અસરો અને આરોગ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા અંગે સંવાદ કરવામાં આવ્યો હતો, ઉપરાંત, સ્વચ્છતા અંગેની ‘સ્વચ્છતાની સાપસીડી’ જેવી વિવિધ રચનાત્મક, જ્ઞાન સાથે ગમ્મત પૂરી પાડતી રમતો રમાડવામાં આવી હતી. તેમજ ઝીરો વેસ્ટ લંચબોક્ષ વિશે સમજ અપાઈ હતી.
વિદ્યાર્થીઓને ભીનાં અને સૂકા કચરાના નિકાલ માટે યોગ્ય માર્ગદર્શન, સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ ઘટાડવા, ઘર, મહોલ્લા અને શાળામાં સાફ-સફાઈને લગતી પાયાની બાબતો અંગે જાણકારી અપાઈ હતી. વિદ્યાર્થીઓએ પણ હોંશે-હોંશે બાળ મેળા અને સંવાદમાં ભાગ લઈને ‘સ્વચ્છતા સેનાની’ બનવાનો નિર્ધાર કર્યો હતો.