ઉમરપાડા તાલુકા મથકે પુર્ણા યોજના હેઠળ “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” થીમ હેઠળ કિશોરી મેળો યોજાયો
સુરતઃશુક્રવારઃ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા મથકે કન્યા છાત્રાલય ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહિલા કલ્યાણ પ્રભાગ હેઠળ બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” હેઠળ સંયુક્ત “કિશોરી ” મેળો તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ વસાવા અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ૩૦૦ જેટલી કિશોરીઓની હાજરીમાં આંગણવાડી કાર્યકરો દ્વારા મિલેટ વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા અને બાલ અધિકારીની કચેરી દ્વારા કિશોરીઓને કીટનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું કે, કિશોરીઓના જન્મ, શિક્ષણ,સુરક્ષા અને સશક્તિકરણ કરવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજના, કાયદાઓ વિશે જાગૃત બનીને સૌને સાથે મળીને કાર્ય કરવાનો મત વ્યકત કર્યો હતો. સૌ કિશોરીઓને આંગણવાડી નિયમિત મુલાકાત લઈને રોજિંદા આહારમાં મિલેટનો ઉપયોગ કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારીશ્રી બાબુભાઇ ગામિત, દહેજ પ્રતિબંદક અધિકારીશ્રી નકુમ, ઉમરપાડાના કારોબારીના અધ્યક્ષ, પૂર્વ તાલુકા પ્રમુખ શારદાબેન ચૌધરી, THOશ્રી, આયુર્વેદ અધિકારીશ્રી ચીતલડા અને ઘાણાવાડ, કન્યા છાત્રાલયના પ્રિન્સિપાલ વૃદાબેન પટેલ, CDPOશ્રી ઉમરપાડા દર્શનાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુખ્ય સેવિકા પિનલબેન પુરોહિતે કર્યું હતું.