સુરત ખાતે સ્તન કેન્સર અવેરનેસ કાર્યક્રમમાં “કેન્સરમાં આશાનું કિરણ” પુસ્તકનું વિમોચન કરાયું

સુરત ખાતે સ્તન કેન્સર અવેરનેસ કાર્યક્રમમાં “કેન્સરમાં આશાનું કિરણ” પુસ્તકનું વિમોચન કરાયું
સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. કૌશલ પટેલ દ્વારા લખાયેલ “કેન્સરમાં આશાનું કિરણ”ના બુકનું વિમોચન કરાયું
સુરત : ઓક્ટોબર મહિનો આપણે ” સ્તન કેન્સર અવેરનેસ” મહિના તરીકે ઉજવતા હોઈએ છે. જેના અનુસંધાને આજે સુરત શહેર ખાતે સ્તન કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “કેન્સરમાં આશાનું કિરણ”ના પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પુસ્તક ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક વિમોચનમાં ડોકટરો, ઉપરાંત કેન્સર સરવાઈવલ્સ અને સામાજિક કાર્યકરોએ હાજરી આપી હતી. ત્યારે “કેન્સરમાં આશાનું કિરણ”ના બુકના વિમોચનમાં એલીટ હેમેટ ઓન્કો કેર સેન્ટરના ડૉ. કૌશલ પટેલ દ્વારા મહિલાઓમાં થતા સૌથી સામાન્ય કેન્સર સામે લડતમાં વહેલા નિદાન અને વિશ્વસનીય માહિતીની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એલીટ હેમેટ ઓન્કો કેર સેન્ટરના સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. કૌશલ પટેલ દ્વારા લખાયેલ “કેન્સરમાં આશાનું કિરણ”નું ઔપચારિક વિમોચન હતું. એકદમ સમજાય તેવી ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ પુસ્તક દર્દીઓ, પરિવારો અને વ્યાપક સમુદાય માટે વ્યવહારુ માર્ગદર્શિકા તરીકે બનાવાયેલ છે. તે વિવિધ પ્રકારના કેન્સર, તેમના લક્ષણો, કારણો અને જોખમ પરિબળોને સમજાવે છે, જ્યારે જીવનશૈલી પ્રથાઓ, આહાર, તપાસ, સારવારના વિકલ્પો અને ભાવનાત્મક સમર્થન વિશે પણ સલાહ આપે છે. આ પુસ્તકમાં કેન્સરને માત આપેલા લોકોની વાસ્તવિક ગાથા પણ આ પુસ્તકમાં દર્શાવવામાં આવી છે, જેનો હેતુ વાચકોમાં આત્મવિશ્વાસ પ્રેરિત કરવાનો છે. તમને જણાવી દઈએ કે, આ પુસ્તકનું સંપાદન ડૉ. ક્રિના પટેલ દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે. જેમાં લોકાર્પણ પ્રસંગે બોલતા, ડૉ. કૌશલ પટેલે જણાવ્યું હતું કે, “કેન્સર શબ્દ ઘણીવાર ભય પેદા કરતો હોય છે. છતાં, સમયસર નિદાન, યોગ્ય માહિતી અને સકારાત્મક વલણ સાથે, આ રોગને દૂર કરવો શક્ય છે. આ પુસ્તક દ્વારા, મારો પ્રયાસ દર્દીઓ અને પરિવારોને સ્પષ્ટતા સાથે આત્મવિશ્વાસ અને હિંમત માટે એક સંસાધન આપવાનો છે. ”
આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજર રહેલા ડોકટરોએ પોતાના મંતવ્યો રજુ કરતા જણાવ્યું હતું કે, જો વહેલાસર નિદાન થાય તો બ્રેસ્ટ કેન્સરને જડ મુળથી નીકાળી શકાય છે. પરંતુ ભય, ખોટી માહિતી અને જાગૃતિના અભાવને કારણે, જ્યારે બ્રેસ્ટ કેન્સરની ગાંઠ વધે ત્યારે જ ડોક્ટરની સહાય લેતા હોય છે. ત્યારે ડોક્ટર દ્વારા મહિલાઓને નિયમિત સ્વ-પરીક્ષા કરવા, મેમોગ્રાફી કરાવવા, સંતુલિત પોષણ અપનાવવા, નિયમિતપણે કસરત કરવા અને તમાકુ અને દારૂ જેવા વ્યસનોને ટાળવા વિનંતી કરાઈ હતી. તેઓએ કહ્યું કે, ભાવનાત્મક અને પારિવારિક સમર્થન તબીબી સારવાર જેટલું જ મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જાગૃતિ, તપાસ અને સારવારનો સંદેશ ફેલાવવાનો હતો. જેમાં ભારપુર્વક ડોક્ટર દ્વારા જણાવાયુ હતું કે, લક્ષણોને વહેલા ઓળખીને અને વિલંબ કર્યા વિના કાર્ય કરીને, ઘણા લોકો પોતાનો જીવ બચાવી શકે છે.