અદાણી ગ્રૂપ ફરી રેકોર્ડબ્રેક ટ્રેક પર, એક જ સપ્તાહમાં અધધ રોકાણ..!
અદાણી ગ્રૂપ ફરી રેકોર્ડબ્રેક ટ્રેક પર, એક જ સપ્તાહમાં અધધ રોકાણ..!
કોપર, સોલાર પોર્ટ અને સિમેન્ટ ઉદ્યોગમાં સિમાચિહ્નો
વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલ અદાણી જૂથ હવે શોર્ટ સેલર્સના પ્રભાવમાંથી સંપૂર્ણપણે બહાર આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં થયેલા અધદ રોકાણો અને શેરબજારમાં કંપનીએ આપેલા રિટર્નના કારણે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એક સપ્તાહની અંદર જૂથે $1.2 બિલિયનનો કોપર પ્લાન્ટ ખોલ્યો, ઓડિશામાં નવું બંદર ખરીદ્યું અને સિમેન્ટ કંપનીમાં પણ હિસ્સો વધાર્યો છે. એટલું જ નહીં, મુકેશ અંબાણીની હરીફ ગણાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે પણ જોડાણ કર્યું છે. અદાણી ગ્રૂપે પાછલા અઠવાડિયે પોર્ટ બિઝનેસમાં વિસ્તરણ અને રોકાણ, મેટલ રિફાઇનિંગમાં વૈવિધ્યકરણ, સિમેન્ટ સેક્ટરમાં મૂડી ઇન્ફ્યુઝન અને મેગા સોલાર પ્રોજેક્ટના કમિશનિંગની જાહેરાત કરી છે.
26 માર્ચે અદાણી પોર્ટ્સની રૂ. 3,350 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં ગોપાલપુર પોર્ટમાં 95 ટકા હિસ્સો હસ્તગત કરવાની જાહેરાત સાથે તેની શરૂઆત થઈ હતી. આ સાથે તેમના નિયંત્રણ હેઠળના બંદરોની સંખ્યા વધીને 15 થઈ ગઈ. દેશમાં કોઈપણ ખાનગી કંપનીની માલિકીના બંદરોની આ સૌથી વધુ સંખ્યા છે. ત્યારબાદ 28 માર્ચે જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમીટેડે ગુજરાતના મુન્દ્રામાં એક જ સ્થળે વિશ્વના સૌથી મોટા કોપર ઉત્પાદન પ્લાન્ટના પ્રથમ તબક્કાની જાહેરાત કરી. આ નવી શરૂઆત મેટલ રિફાઇનિંગના ક્ષેત્રમાં અદાણી જૂથના પ્રવેશને ચિહ્નિત કરે છે.
ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પરિવારે દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ્સમાં હિસ્સો વધારીને 66.7 ટકા કરવા માટે રૂ. 6,661 કરોડના રોકાણની જાહેરાત તે જ દિવસે કરી હતી. ત્યારબાદ જૂથની રિન્યુએબલ એનર્જી આર્મ અદાણી ગ્રીન એનર્જી લિ. ખાવડામાં તેના 775 મેગાવોટના સૌર ઉર્જા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ખાવડામાં સૌર ઉર્જામાંથી 30 GW ક્ષમતાનો પાવર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે અદાણી જૂથ એક વિશાળ સોલાર ફાર્મ બનાવી રહ્યું છે. 2030 સુધીમાં તેમાં 45 ગીગાવોટ ક્ષમતાનું લક્ષ્ય હાંસલ કરવાની જૂથે યોજના બનાવી છે.
28 માર્ચેના દિવસે જ અદાણી અને તેમના પ્રતિસ્પર્ધી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પ્રથમ વખત જોડાણની જાહેરાત કરી હતી. જે અંતર્ગત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અદાણી પાવરના મધ્યપ્રદેશ પાવર પ્રોજેક્ટમાં રૂ. 50 કરોડમાં 26 ટકા હિસ્સો ખરીદ્યો અને પ્લાન્ટની 500 મેગાવોટ પાવરનો સ્વ-ઉપયોગ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
વિશ્લેષકોનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહમાં કરવામાં આવેલી જાહેરાતો દર્શાવે છે કે અદાણી ગ્રુપ ફરીથી વિસ્તરણના માર્ગે અગ્રેસર છે. રોકાણકારોને તાજેતરના ફાઇલિંગમાં, કંપની મેનેજમેન્ટે જણાવ્યું હતું કે જૂથે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસને વિસ્તૃત કરવા માટે આગામી દાયકામાં રૂ. 7 લાખ કરોડના મૂડી ખર્ચની યોજના બનાવી છે.