અદાણીનું કોલંબો ટર્મિનલ કાર્યાન્વિત કરાયું

અદાણીનું કોલંબો ટર્મિનલ કાર્યાન્વિત કરાયું
ભારત – શ્રીલંકા મેરીટાઇમ ભાગીદારીમાં એક સીમાચિહ્નરૂપ અધ્યાય અંકિત
અમદાવાદ અને કોલંબો, ૦૭ એપ્રિલ ૨૦૨૫: ભારતની સૌથી મોટી સંકલિત કાર્ગોના પરિવહનનું સંચાલન કરતી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ કોલંબો બંદર ખાતે કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) કાર્યાન્વિત કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરી છે.
35 વર્ષના બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) કરાર હેઠળ ભારતના સૌથી મોટા પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સ અને SEZ લિ., શ્રીલંકાના અગ્રણી સમૂહ જોન કીલ્સ હોલ્ડિંગ્સ PLC અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટીના કન્સોર્ટિયમ દ્વારા વચ્ચેની આ સીમાચિહ્નરૂપ જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ વિકસાવવામાં આવેલ આ CWIT નું સંચાલન કરવામાં આવશે.
800 મિલિયન ડોલરના મસમોટા રોકાણ સાથેનો આ CWIT પ્રકલ્પ 1,400-મીટર લાંબી ખાડી અને 20-મીટર ઊંડાઈ ધરાવે છે, જેનાથી આ ટર્મિનલ વાર્ષિક આશરે 3.2 મિલિયન વીસ-ફૂટ ઇક્વિવેલેન્ટ યુનિટ્સ (TEUs)નું સંચાલન કરવા સક્ષમ બનશે. કોલંબોમાં આ સૌ પ્રથમ ઊંડા પાણી ધરાવતું ટર્મિનલ છે જે સંપૂર્ણપણે સ્વયંમ સંચાલિત છે, જે કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વધારવા, જહાજોના ટર્નએરાઉન્ડ સમયમાં સુધારો લાવવા અને દક્ષિણ એશિયામાં મુખ્ય ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે બંદરનો દરજ્જો પ્રસ્થાપિત કરવા માટે નિર્માણ કરવામાં આવેલ છે.
આ ટર્મિનલનું નિર્માણ કાર્ય 2022 ની શરૂઆતમાં હાથ ધરવામાં આવ્યું હતું અને શરુઆતથી જ તેમાં ઝડપી પ્રગતિ થઇ હતી. આ ટર્મિનલ સંલગ્ન તમામ અત્યાધુનિક માળખાગત સુવિધાઓનું કામકાજ પૂર્ણતાને આરે છે અને CWIT પ્રાદેશિક દરિયાઈ લોજિસ્ટિક્સમાં કાર્યકારી કાર્યક્ષમતા અને વિશ્વસનીયતામાં નવા માપદંડો સ્થાપિત કરવા માટે સજ્જ છે.
અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “CWIT ખાતે આ ટર્મિનલ કાર્યાન્વિત થવા સાથે ભારત અને શ્રીલંકા વચ્ચેના પ્રાદેશિક સહયોગમાં એક સીમાચિહ્નરૂપ અધ્યાય અંકિત થયો છે. તેમણે ઉમેર્યું હતું કે આ ટર્મિનલ માત્ર હિંદ મહાસાગરમાં ભાવિ વેપારના ભવિષ્યનું જ પ્રતિનિધિત્વ નહી કરે, પરંતુ તેનો કાર્યારંભ શ્રીલંકા માટે ગર્વની ક્ષણ પણ છે જે તેને વૈશ્વિક દરિયાઈ પટલ પર મજબૂત રીતે આરુઢ કરશે. આ CWIT પ્રકલ્પ થકી સ્થાનિક સ્તરે પ્રત્યક્ષ અને પરોક્ષ હજારો નોકરીઓની તકોનું સર્જન કરશે અને આ ટાપુ રાષ્ટ્ર માટે આર્થિક દ્રષ્ટિએ મૂલ્ય વૃધ્ધિના પુષ્કળ દરવાજા ખોલશે. અદાણીએ કહ્યું હતું કે બંને પડોશીઓ વચ્ચેની અગાધ મિત્રતા અને વધતા વ્યૂહાત્મક સંબંધો તથા આ દૂરંદેશી જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા શું સિધ્ધ કરી શકાય તેનું આ એક જ્વલંત ઉદાહરણ બનીને ઉભરી આવશે. આ વિશ્વ કક્ષાની આ સુવિધા રેકોર્ડ સમયમાં ઉપલબ્ધ બનાવવી એ વિશ્વમાં ગમે ત્યાં મોટા પાયે મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સને કાર્યક્ષમ રીતે ચલાવવાની અદાણી ગ્રુપની ક્ષમતાને પુરવાર કરવા સાથે પ્રતિબિંબિત પણ કરે છે.”
જોન કીલ્સ ગ્રુપના અધ્યક્ષ શ્રી કૃષ્ણ બાલેન્દ્રએ જણાવ્યું હતું કે વેસ્ટ કન્ટેનર વિકાસમાં થયેલી પ્રગતિ જોવાનો અમને ગર્વ છે. આ પ્રોજેક્ટ પ્રાદેશિક દરિયાઈ હબ તરીકે શ્રીલંકાની સ્થિતિને મજબૂત બનાવે છે એટલું જ નહી પરંતુ આ પ્રોજેક્ટ જોન કીલ્સ ગ્રુપના સૌથી મોટા રોકાણોમાંનો અને શ્રીલંકામાં ખાનગી ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ રોકાણોમાંનો એક છે. તેમણે કહ્યું હતું કે શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી અને અદાણી ગ્રુપ સાથે મળીને અમે કોલંબોનો અગ્રણી ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકેનો દરજ્જો વધારીશું. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ક્ષેત્રમાં આ પ્રોજેક્ટ વૈશ્વિક વેપાર અને કનેક્ટિવિટીમાં વધારો કરશે.”