તાલુકાના જામલાપાડા ગામની સીમના એક કુવામાં દિપડો પડી જતાં વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો

દિપડા ના સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન વન વિભાગની ટીમે દિપડાને બેભાનનું ઈન્જેકશન આપ્યા વગર બહાર કાઢતા અકળાયેલ દિપડાએ બે વન કર્મી ઉપર હુમલો કરી ઘરમાં ઘુસી જતાં સ્થળ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
તાલુકાના જામલાપાડા ગામની સીમાડામાં ગત રાત્રી દરમિયાન શિકાર ની શોધમાં આવેલ દિપડો એક ખેડૂતના કુવામાં ખાબકી જતા વહેલી સવારે ખેડૂત પાણી ની મોટર ચાલુ કરવા જતા જંગલી પશુનો બરાડવાનો અવાજ આવતા ખેડુતે કુવામાં જોતા અંદર એક દિપડો હોવાનું જાણવા મળ્યું હતું જે ઘટનાની જાણકારીને પગલે જામલાપાડા ગામના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જોકે ગામ લોકોમાં કુવામાં દિપડો પડી ગયો હોવાની ઘટના અંગે પણ ભારે કુતુહલ સર્જાયું હતુ અને કુવામાં પડી ગયેલા લાચાર દિપડાને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા. જેથી કુવામાં દિપડો પડી ગયો હોવાની ઘટના અંગે ગ્રામજનો વઘઈ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.જ્યાં વનવિભાગની ટીમ દ્વારા કુવાની ઉંડાઈનું અને દિપડાની સ્થિતિ અંગે અવલોકન કરીને કુવામાં દોરડું ઉતારીને દિપડાને સલામત રીતે બહાર કાઢવાની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.પણ દિપડાને સલામત રીતે બહાર કાઢવાના સમગ્ર રેસ્કયુ ઓપરેશન દરમ્યાન દિપડાને બેભાનનું ઈન્જેકશન આપ્યા વગર બહાર કાઢતા જ અકળાયેલ દિપડાએ ગામના બે વ્યક્તિ પર હુમલો કરી દેતા ગંભીર રીતે ઘવાયેલ બંન્ને વ્યક્તિઓને સારવાર અર્થે સીએસસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વનવિભાગની ટીમ દ્વારા ત્રણ ચાર કલાકની ભારે જહેમત બાદ દિપડો સલામત રીતે પાંજરામાં પુરવાની કામગીરી હાથ ધરવામાં આવે એ પહેલા જ લોકો ના ટોળા થી ગભરાયેલ દિપડો જંગલ વિસ્તાર માં ભાગી છુટયો હતો.