વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે મહા રકતદાન અભિયાન થકી વિશ્વ વિક્રમ સર્જવા સજ્જ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ

વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે મહા રકતદાન અભિયાન થકી વિશ્વ વિક્રમ સર્જવા સજ્જ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ
૧૭ સપ્ટેમ્બરનાં રોજ વડાપધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને અનુલક્ષીને રાજ્યના તમામ કર્મચારી મંડળો દ્વારા વિવિધ સ્થળોએ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ સંયુક્ત મોરચો-સુરત જિલ્લા દ્વારા ૧ લાખથી વધુ યુનિટ રકત એકત્ર કરી વિશ્વવ્યાપી કિર્તીમાન સ્થાપિત કરવાનો નિર્ધાર કરાયો છે. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે નિશ્ચિત લક્ષ્યાંક પાર પાડવા તૈયારીઓ આરંભી છે.
‘નમો કે નામ રક્તદાન’ કાર્યક્રમને અપેક્ષિત પ્રતિસાદ સાથે સફળતા મળે એ માટે ઓલપાડ ખાતેનાં ખૂંટાઈ માતાનાં મંદિર પરિસરમાં રાજ્ય કક્ષાનાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ સાથે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષક સંઘનાં પ્રતિનિધિમંડળે મુલાકાત કરી હતી.
આ તકે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે રાજ્યભરનાં શિક્ષકોની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે દરેક જાગૃત નાગરિકને રક્તદાન કાર્યક્રમમાં સહભાગી થવા અને ઈચ્છિત યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત બ્રિજેશ પટેલ, ચિરાગ પટેલ, હર્ષદ ચૌહાણ તથા દેવાંગશુ પટેલ જોડાયા હતાં.