ગુજરાત

લાંબી મજલ કાપવાની હોય મળસ્કે ત્રણ વાગ્યેથી જ નીકળવા માંડી વિઘ્હનર્તાની વિસર્જનયાત્રા

લાંબી મજલ કાપવાની હોય મળસ્કે ત્રણ વાગ્યેથી જ નીકળવા માંડી વિઘ્હનર્તાની વિસર્જનયાત્રા

એક સમયે શહેરના કોટ વિસ્તારમાં એવો ટ્રેન્ડ હતો કે બપોર પછી જ વિસર્જન યાત્રા કાઢવામાં આવતી. આ વિસર્જન યાત્રામાં રંગેબેરંગી લાઇટોથી સજાવેલી બગીઓ આકર્ષણનું કેન્દ્ર રહેતું હતું. જાકે, હવે ધીરે ધીરે ટ્રેન્ડ બદલાયો છે. તાપી નદીના તમામ ઓવારા વિસર્જન માટે બંધ કરી દેવાયા છે. કૃત્રિમ તળાવોમાં નવ ફૂટથી નાની મૂર્તિઓનું જ વિસર્જન કરાઇ રહ્યું છે. આથી ટ્ઠમોટી પ્રતિમાઓને ફરજિયાત મગદલ્લા, ડુમસ કે હજીરા લઇ જવી પડે છે. આ વ્યવસ્થાને અનુસરવા માટે આયોજકોએ ૧૨થી ૧૫ કિલોમીટર લાંબી યાત્રા કાઢવી ફરજીયાત થઇ પડી છે. આ ત્રણ જ ઓવારા હોવાથી ત્યાં બપોર પછી એટલી ભીડ થાય છે કે બીજા દિવસે સવાર સુધી લાઇન જાવા મળે છે. આ સ્થિતિમાં ઉત્સવ આયોજકો સહપરિવાર ભાગ લેવાનું અઘરું થઇ જાય છે. એ માટે કોટ વિસ્તારમાં ઘણાં મંડળો દ્વારા મળસ્કે ત્રણ વાગ્યે જ વિસર્જન યાત્રા કાઢવાનો ટ્રેન્ડ શરૂ કરાયો હતો. પાલ અને અડાજણ વિસ્તારમાંથી પણ તળ સુરતની તરાહે જ વહેલી સવારે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા પણ મોટી પ્રતિમાઓનું વિસર્જન કાર્ય વહેલું પૂરુ થાય એ માટે મંડપે મંડપે જઈ આયોજકોને જલદી કરો એવી ટકોર અને કેટલાક ઠેકાણે રીતસર દબાણ પણ કરાયું હતું.

 

ગણેશજીને વિસર્જન માટે લઈ જતાં ટ્રેકટરનું ટાયર ફાટ્યું, વિશાળકાય પ્રતિમા રોડ પર જ ‘ખંડિત’

નવ દિવસ ભગવાન ગજાનંદની પૂજા-અર્ચના બાદ આજે લોકો બાપ્પાનું વિસર્જન કરી રહ્યા છે. ત્યારે સુરતમાં વિધ્નહર્તાની વિસર્જન યાત્રામાં જ વિઘ્‌ન નડ્‌યું હતું. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આજે ગણેશ વિસર્જન વખતે એક ટ્રેક્ટરનું ટાયર અચાનક ફાટતાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયું. જેના કારણે ટ્રેક્ટરમાં લઈ જવાતી વિશાળકાય ગણેશજીની પ્રતિમા રસ્તા પર પડતાં ખંડિત થઈ ગઈ હતી. જેના કારણે અનેક ગણેશ ભક્તો દુઃખી થયા હતા. સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ગણેશજીની વિસર્જન યાત્રા શરુ કરવામાં આવી છે. શહેરના ભાગળ વિસ્તારમાં ગણેશજીની વિસર્જન યાત્રામાં નાનકડું વિઘ્‌ન નડ્‌યું હતું. ત્યારબાદ ભેસ્તાન વિસ્તારમાં પણ એક ગણેશ મંડળ દ્વારા વિસર્જન યાત્રા કરવામાં આવી રહી હતી, જેનો અકસ્માત થયો હતો. ભેસ્તાનના ભૈરવ નગરમાં પૂર્વ કાર્પોરેટરની સોસાયટીમાંથી આજે ગણેશ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા ભેસ્તાન ભૈરવ નગર રોડ પર પહોંચી હતી ત્યારે અચાનક ટ્રેક્ટરના ટાયરમાં બ્લાસ્ટ થયો હતો. ચાલુ ટ્રેક્ટરમાં ટાયર ફાટતાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું અને ટ્રેક્ટરમાં મૂકેલી ગણેશજીની પ્રતિમા પણ રસ્તા પર પડીને તૂટી ગઈ હતી. દસ દિવસની પૂજા બાદ ગણેશજીની મૂર્તિ રસ્તામાં જ ખંડિત થઈ જતાં ગણેશ ભક્તો ભારે દુઃખી થયા હતા. ત્યારબાદ આ પ્રતિમાને કૃત્રિમ તળાવ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં પ્રતિકાત્મક વિસર્જન કરાયા બાદ વિસર્જન માટે દરિયે લઈ જવામાં આવી હતી. ગણેશજીની વિશાળકાય પ્રતિમા ખંડિત થતાં ગણેશ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

શહેર સ્વચ્છ તો બાપ્પા મસ્ત..!

સુરતીઓમાં ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું સોસાયટીઓમાં જ વિસર્જન કરવાનો ટ્રેન્ડ

સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ મુકાયો ત્યાર બાદ મોટાભાગના ગણેશ આયોજકો સાથે સાથે ઘરે ગણેશજીની સ્થાપના કરતા લોકો ઘર આંગણે કે ગણેશ મંડપમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરે છે. તેમાં પણ શહેરની અનેક રહેણાંક સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કર્યા બાદ વિસર્જન પણ સોસાયટીમાં જ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ગણેશજીના આર્શીવાદ રહે તે માટે ભક્તોએ બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરીને તેની માટીનો ઉપયોગ ગાર્ડનમાં ફૂલ છોડ ઉગાડવા માટે કરવામાં આવ્યો છે.

સુરત શહેરમાં થોડા વર્ષો પહેલા ઘર આંગણે જ ગણેશ વિસર્જન માટે શરૂ થયેલો ટ્રેન્ડ દર વર્ષે વધી રહ્યો છે. સુરત શહેરમાં આ વર્ષે ૭૫ હજારથી વધુ નાની મોટી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તેમાં ઘણાં વર્ષોથી માટીની પ્રતિમા માટે જાગૃતિ અભિયાન ચાલતું હોવાથી મોટાભાગના રહેણાંક સોસાયટીમાં પાંચ ફૂટથી નાની પ્રતિમા અને તે પણ માટીની પ્રતિમા હોય તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી લોકોમાં આવેલી જાગૃતિના કારણે સંખ્યાબંધ સોસાયટીના રહીશો પોતાની સોસાયટીમાં જ ગણેશજીની સ્થાપના કરે છે અને વિસર્જન યાત્રા અને વિસર્જન પણ સોસાયટીમાં જ કરી રહ્યાં છે. જેના કારણે તંત્ર પરનું ભારણ પણ ઓછું થઈ રહ્યું છે. શહેરની સંખ્યાબંધ સોસાયટીઓમાં આજે સવારે ગણેશજીની પૂજા કર્યા બાદ સોસાયટીના રહીશોએ સોસાયટીમાં જ ધામધૂમ પૂર્વક શ્રીજીને વિદાય યાત્રા કાઢી હતી. સોસાયટીઓમાં જ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

કોઈ ભક્તોએ મોટા તપેલામાં તો કોઈએ પવાલી તો કોઈએ ટબમાં બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. તો કેટલીક જગ્યાએ ભક્તોએ જાતે જ ટેબલ અને તાડપત્રી કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બાપાની પ્રતિમાની સાઈઝ પ્રમાણે પોતે જ કૃત્રિમ તળાવ બનાવ્યા હતા તેમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામા આવ્યું હતું.

બાપાની કૃપા કાયમ રહે તે માટે અનેક લોકોએ ઘર આંગણે વિસર્જન કરીને પ્રતિમાની માટીને ઘરના કુંડા કે સોસાયટીના ગાર્ડનના વૃક્ષ છોડમાં મૂકી દેવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button