સુરતમાં ખાડી પૂર : લિંબાયતમાં મીઠી ખાડીના પાણી બેક મારતાં જનજીવન ઠપ્પ

સુરતમાં ખાડી પૂર : લિંબાયતમાં મીઠી ખાડીના પાણી બેક મારતાં જનજીવન ઠપ્પ
સુરત:દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે સુરત શહેરની ખાડીઓ ઉફાણે ચડી છે. ખાસ કરીને લિંબાયત ઝોનમાંથી પસાર થતી મીઠી ખાડી ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થતાં આસપાસના તમામ રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ખાડીના પાણી બેક મારવાના કારણે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે સમગ્ર લિંબાયત અને મગોબ વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પર્વત પાટીયા નજીક આવેલી અંદાજે ૧૫ જેટલી સોસાયટીઓ આ ખાડી પૂરથી ભારે અસરગ્રસ્ત થઈ છે. સોસાયટીઓના ગ્રાઉન્ડ ફ્લોર અને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં હજારોની સંખ્યામાં સ્થાનિક નાગરિકો પોતાના જ ઘરોમાં નજરકેદ થવા મજબૂર બન્યા છે. સૌથી કપરી પરિસ્થિતિ મગોબ વિસ્તારમાં જોવા મળી રહી છે, જ્યાં કેટલાક નીચાણવાળા ભાગોમાં ૫થી ૭ ફૂટ જેટલા પૂરના પાણી ભરાઈ ગયા છે. આ પૂરના કારણે જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. સ્થાનિક લોકો કમરસમા ધસમસતા પાણીમાં જીવનું જોખમ ખેડીને બહાર નીકળી રહ્યા છે. દૂધ, પીવાનું શુદ્ધ પાણી અને શાકભાજી જેવી પ્રાથમિક સામગ્રી મેળવવા માટે પણ મહિલાઓ અને વૃદ્ધોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વરસાદનું જોર આવું જ રહ્યું તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે.


