ગાંધીનગરમાં વિજયા દશમી નિમિત્તે દુર્ગા દોડ અને શસ્ત્ર પૂજન

ગાંધીનગરમાં વિજયા દશમી નિમિત્તે દુર્ગા દોડ અને શસ્ત્ર પૂજન
21 દીકરીઓને તલવાર ભેટ, શૌર્ય અને સંસ્કૃતિના સંકલ્પો

આજરોજ ગાંધીનગરના કુડાસણ ખાતે ભારત રક્ષા મંચ અને ગંગા સમગ્રના સંયુક્ત ઉપક્રમે વિજયા દશમી નિમિત્તે માતા દુર્ગામાં દોડ અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું પ્રારંભ લાભ નિરાંત બંગલોઝથી કરવામાં આવ્યું હતું, જ્યાં 21 દીકરીઓને તલવાર ભેટ સ્વરૂપે આપી અને માતા દુર્ગાની ઐતિહાસિક દોડ યોજાઈ હતી.
દોડનું સમાપન કુડાસણના શ્રી હરી હનુમાનજી મંદિરે કરવામાં આવ્યું, જ્યાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. કલ્પનાબા સિસોદિયા દ્વારા તાલીમ મેળવેલ દીકરીઓએ તલવારબાજીનું પ્રદર્શન કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ભારત રક્ષા મંચના ગુજરાત પ્રાંત અધ્યક્ષ અને પશ્ચિમ ક્ષેત્ર ના સંગઠન મંત્રી ર્ડા. ઈલેવાન ઠાકરે જણાવ્યું હતું, “આ વિજયાદશમી એ અધર્મ પર ધર્મના વિજયનો દિવસ છે. ભગવાન શ્રી રામે આ દિવસે રાવણનો નાશ કરી ધર્મની સ્થાપના કરી હતી.” તેઓએ ઉમેર્યું કે નવ દિવસના નવરાત્રિ બાદ વિજયાદશમી ઉજવાય છે અને દુર્ગા માતાની દોડ તથા શસ્ત્ર પૂજન આપણા શૌર્ય અને સંસ્કૃતિનું ગૌરવ છે.
ઈલેવાન ઠાકરે જણાવ્યું હતું, “ગાંધીનગરની પવિત્ર ધરતી પર દુર્ગા દોડ અને શસ્ત્ર પૂજનનો અનોખો પ્રસંગ પ્રથમવાર ઉજવાયો છે. દુર્ગાદોડમાં દુર્ગા માતાની આરાધના કરીએ છીએ, જે માત્ર દેવી જ નહીં પણ બળ, શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. દુર્ગા માતાની આરાધનાથી સમાજને સુરક્ષિત રાખવાનો અને સંસ્કાર જીવંત રાખવાનો સંકલ્પ લેવાય છે.”
તેઓએ વધુમાં જણાવ્યું હતું, “શસ્ત્ર પૂજન આપણને યાદ અપાવે છે કે હિન્દુ સમાજ ક્યારેય નિર્બળ રહ્યો નથી અને રહેશે નહીં. દુર્ગા દોડ માત્ર દોડ નથી, પણ હિન્દુ જાગૃતિ અને સમાજની એકતાનું પ્રતીક છે. જ્યારે હિન્દુ સમાજ એકસાથે દોડે છે ત્યારે કોઈ પણ શક્તિ તેને રોકી શકતી નથી.”
આ પ્રસંગે ગંગા સમગ્ર અને ભારત રક્ષા મંચના કાર્યકરો દ્વારા દુર્ગાદોડ દરમિયાન ધર્મની રક્ષા કરવાનો સંકલ્પ લેવાયો હતો. ઉપસ્થિત મહાનુભાવો અને સંસ્થાના પ્રતિનિધિઓએ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેના માર્ગે ચાલીને રાષ્ટ્રને મજબૂત બનાવવાનો અને હિંદુત્વની જ્યોત ક્યારેય બુઝવા નહીં દેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
કાર્યક્રમમાં ગાંધીનગરના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કોર્પોરેટર જશુભાઈ પટેલ, પૂર્વ એડિશનલ કલેક્ટર એ.કે. સિંહ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુરેન્દ્રસિંહ સિસોદિયા, ગઢડાના પૂર્વ ધારાસભ્ય અને ભારત રક્ષા મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ મારુ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્ય પ્રમુખ ડૉ. અશ્વિનભાઈ ત્રિવેદી, વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિનીના એડવોકેટ સોનલબેન જોશી, ડિમ્પલબેન, સુનિલ રાય, ભારત રક્ષા મંચના ગાંધીનગર શહેરના પ્રભારી કેતન જોશી, શહેર પ્રમુખ હાર્દિકભાઈ પંડ્યા, મહિલા પ્રભારી શર્મિષ્ઠાબેન મહેતા, અજીતભાઈ ઠાકોર, તેમજ અમદાવાદથી ગંગા સમગ્રના નરેશભાઈ, ગાયત્રી બેન તથા તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સ્વાગત ગંગા સમગ્રના ગુજરાત પ્રાંત સંયોજક અરુણસિંહ રાજપૂતે કર્યું હતું અને મહારાષ્ટ્ર સમાજના ટ્રસ્ટી તથા ભારત રક્ષા મંચના ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ ડૉ. નારાયણ ભોંયટે તથા તેમની ટીમનો મુખ્ય આયોજન માટે આભાર વ્યક્ત કર્યો હતો.
વિજયા દશમીના પાવન દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં શૌર્ય, સંસ્કૃતિ અને સમાજની એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. શસ્ત્ર પૂજન અને દુર્ગા દોડ દ્વારા હિન્દુ સમાજમાં જાગૃતિ અને સંકલ્પશક્તિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.



