પી.એમ. શ્રી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં અદ્યતન ટૅક્નૉલૉજીના ઉપયોગ સાથે ‘બાળસંસદ’ની ચૂંટણી યોજાઈ: ૯૮% જંગી મતદાન

પી.એમ. શ્રી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં અદ્યતન ટૅક્નૉલૉજીના ઉપયોગ સાથે ‘બાળસંસદ’ની ચૂંટણી યોજાઈ: ૯૮% જંગી મતદાન
ટાંક દેવાંશુ પ્રફુલભાઈ ૪૭૪ મતો મેળવીને પ્રચંડ બહુમતી સાથે ‘મહામંત્રી’ તરીકે વિજેતા બન્યા
નાના વરાછા સ્થિત પી.એમ. શ્રી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક-૨૭૨ ખાતે વિદ્યાર્થીઓમાં લોકશાહીનાં મૂલ્યો સુદ્રઢ કરવાના આશયથી ‘બાળસંસદ સત્તા મંડળ સામાન્ય ચૂંટણી-૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત ચૂંટણી અધિનિયમની તર્જ પર ગત ૧૦ જૂનના રોજ મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડી શાળામાં આચારસંહિતા લાગુ કરાઈ હતી. ટૅક્નૉલૉજીનો સમન્વય સાધીને ચૂંટણી પ્રક્રિયાને આધુનિક બનાવવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને તેને બેલેટ યુનિટ (BU)માં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો.
બાળસંસદની વિવિધ બેઠકો માટે કુલ ૬૧ સભ્યો અને ૬ મહામંત્રી પદના ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાયો હતો.
વાસ્તવિક મતદાન મથક જેવી જ વ્યવસ્થા ઊભી કરી, પ્રિસાઇડિંગ અધિકારીની ડાયરી, ગ્રીન પેપર સીલ, ટકાવારી પત્રક અને આંગળી પર અમીટ શાહીના નિશાન સાથે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
શાળાના બાળમતદારોએ ભારે ઉત્સાહ સાથે ૯૮% જેટલું રેકોર્ડ બ્રેક મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવ્યું હતું.
મતદાન બાદ સુવ્યવસ્થિત કાઉન્ટિંગ ટેબલ, એજન્ટોની ઉપસ્થિતિ અને ત્રણ રાઉન્ડની પારદર્શક મતગણતરીના અંતે પરિણામો જાહેર કરાયાં હતાં. જેમાં ટાંક દેવાંશુ પ્રફુલભાઈ ૪૭૪ મતો મેળવીને પ્રચંડ બહુમતી સાથે ‘મહામંત્રી’ તરીકે વિજેતા બન્યા હતા.
૧૮ જૂનના રોજ શાળાના જાહેર મંચ પર આચાર્યશ્રી મિતેશભાઈ પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ વિજેતા સભ્યો અને મહામંત્રીનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં તેઓએ શાળાના વિકાસ અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાના શપથ લીધા હતા.
સમગ્ર આયોજનને સફળ બનાવવામાં શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી ચમનભાઈ ચોપડા અને નાયબ ચૂંટણી અધિકારી શ્રી વિજયભાઈ માણિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી; શાળા પરિવારના તમામ શિક્ષકોનો સાથ-સહકાર સાંપડ્યો હતો.



