માંડવીના રેગામા ગામના ખેડૂત બિપિનભાઈ ચૌધરીની ખેત પેદાથને મળ્યું કમોસમી વરસાદથી રક્ષણ

સુરત:બુધવાર: રાજ્યના દરેક ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટી તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થતી હતી અને લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ થતો હતો. ત્યારે સરકારશ્રી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) યોજનાનો લાભ મેળવીને સુરત જિલ્લાના માંડવી તાલુકાના રેગામા ગામના લાભાર્થી બિપિનભાઈ ચૌધરી ખેતરના પાકને સુરક્ષિત રાખી રહ્યા છે.
લાભાર્થી બિપિનભાઈએ જણાવ્યું હતું કે, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) યોજનામાં મેં બે મહિના પહેલા પાકસંગ્રહ ગોડાઉન બનાવ્યું છે. આ યોજનાની ગ્રામ સેવકે જાણકારી આપી હતી, જેથી ટેક્નોલોજીના માધ્યમથી મારા ખેતરેથી જ i-ખેડૂત પોર્ટલ પર અરજી કરી. ગત અઠવાડીયે જ પડેલા કમોસમી વરસાદમાં જુવાર, તુવેર, અડદ જેવા ધાન્ય પાકને ગોડાઉનમાં રાખવાથી બચાવી શક્યો છું. આવું તો ક્યારેય વિચાર્યુ પણ ન હતું કે સરકાર પાકના સંગ્રહ માટેની આવી ઉમદા યોજના છે. મારા આનંદની વાત એ છે કે બે મહિનામાં યોજનાના લાભથી મને ગણતરીના સમયમાં જ મને ૭૦,૦૦૦ની સહાય મળી. સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાઈ રહેશે અને વેચાણ સમયે સારા ભાવ પણ મળશે.
વધુમાં બિપિનભાઈએ કહ્યું હતું કે, ગોડાઉન ન હતું ત્યારે ઘણી મુશ્કેલી વેઠવી પડતી હતી. ખેતરમાં ઉગાડેલા ધાન્યપાકને સંગ્રહ ક્યાં કરીશ એ જ મોટો પ્રશ્ન હતો. ઘણી વખત માવઠાના કારણે પાક બગડી જતો અને વેચાણ કરવા જતા ત્યારે સારી કિંમત પણ નહોતી મળતી. વાવાઝોડું, અતિવૃષ્ટી તેમજ માવઠા જેવા અન્ય પરિબળો સામે યોજનામાં નિર્મિત ગોડાઉન થકી પાકને સુરક્ષિત રાખી શકીશ. જેથી આર્થિક ફાયદો થશે અને જેના પરિણામે ખેતી વધુ નફાકારક બની રહેશે. આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ થકી મને બીજી અન્ય યોજનાના લાભની મને જાણકારી મળી છે.એટલે જ સરકાર અને વહીવટીતંત્રનો આભારી રહીશ જેમણે મને સરકારશ્રી કલ્યાણકારી યોજના લાભ આપ્યો છે.