ગુજરાત

વરાછા સ્વિમિંગ પૂલ વિવાદમાં ગોલ્ડ મેડાલિસ્ટ નેશનલ સ્વિમર બાબુલાલ કાબરિયાનો નિર્દોષ છુટકારો

વરાછા સ્વિમિંગ પૂલ વિવાદમાં ગોલ્ડ મેડાલિસ્ટ નેશનલ સ્વિમર બાબુલાલ કાબરિયાનો નિર્દોષ છુટકારો
સુરત:વર્ષ ૨૦૨૩માં વરાછા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ તારણકુંડ (સ્વિમિંગ પૂલ) ખાતે થયેલા ભારે વિવાદ અને મારામારીના કેસમાં સુરત કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાને રાખીને ગોલ્ડ મેડલ વિજેતા નેશનલ સ્વિમર બાબુલાલ કાબરિયાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
વર્ષ ૨૦૨૩માં મહારાણા પ્રતાપ તારણકુંડ ખાતે ટ્રેનિંગ દરમિયાન આડું સ્વિમિંગ કરવાને બદલે ઊભું સ્વિમિંગ કરવા બાબતે ત્યાંના ઇન્સ્ટ્રક્ટરો અને બાબુલાલ વચ્ચે બોલાચાલી થઈ હતી. ઇન્સ્ટ્રક્ટરોનો આક્ષેપ હતો કે ઊભું સ્વિમિંગ કરવાની ના પાડતા આરોપી બાબુલાલ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ત્યાં પડેલો ડંડો ઉઠાવીને કોચને આડેધડ ફટકાર્યો હતો અને ઢીકમુક્કીનો માર માર્યો હતો, જેના કારણે કોચને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ અંગે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસ સુરતની નામદાર કોર્ટમાં ચાલવા ઉપર આવતા, આરોપી બાબુલાલ કાબરિયા તરફથી જાણીતા એડવોકેટ અસલમ એમ. શેખ હાજર રહ્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ ધારદાર તર્કવિતર્ક સવાલો રજૂ કર્યા હતા. સંરક્ષણ પક્ષે મુખ્યત્વે નીચેના મુદ્દાઓ રેકોર્ડ પર લાવીને પ્રોસિક્યુશનના કેસને નબળો પાડ્યો હતો:
ઘટનાસ્થળ પર આરોપીની ચોક્કસ હાજરી સાબિત કરવામાં નિષ્ફળતા.
કથિત મારામારીના કોઈ પણ મજબૂત સીસીટીવી (CCTV) ફૂટેજનો અભાવ.
ઘટનાને સમર્થન આપે તેવા કોઈ સ્વતંત્ર કે તટસ્થ સાક્ષીઓનો અભાવ.
કાયદાના સિદ્ધાંત મુજબ ફરિયાદી પક્ષ પોતાનો કેસ ‘બિયોન્ડ રીઝનેબલ ડાઉટ’ (કોઈપણ શંકાથી પર રહીને) સાબિત કરી શક્યો ન હતો. એડવોકેટ અસલમ એમ. શેખની મજબૂત કાનૂની દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે નેશનલ સ્વિમર બાબુલાલ કાબરિયાને શંકાનો લાભ (Benefit of Doubt) આપી તમામ આક્ષેપોમાંથી સન્માનભેર મુક્ત કર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button