સુરત સિવિલ હોસ્પિટલમાં ૪૭ નવા વ્હીલચેર અને ૧૦ સ્ટ્રેચરનું લોકાર્પણ

સુરત સિવિલ હોસ્પિટલમાં ૪૭ નવા વ્હીલચેર અને ૧૦ સ્ટ્રેચરનું લોકાર્પણ
દર્દીઓની સુવિધા વધશે: હોસ્પિટલના વિવિધ વિભાગોમાં આધુનિક સાધનો અને સુવિધાઓનો ઉમેરો
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ નવી સિવિલમાં દર્દીલક્ષી સવલતોને પ્રાધાન્ય
સુરત : આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા તાજેતરમાં સુરત સિવિલ હોસ્પિટલની કરવામાં આવેલી આકસ્મિક મુલાકાત દરમિયાન દર્દીઓની સુખાકારીને પ્રાધાન્ય આપતા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મુલાકાત દરમિયાન સામે આવેલી વ્હીલચેર અને સ્ટ્રેચરની અછત તેમજ જૂના સાધનોની સમસ્યાઓના નિરાકરણ માટે સિવિલ તંત્ર દ્વારા ૪૭ નવા વ્હીલચેર અને ૧૦ સ્ટ્રેચર દર્દીઓની સેવાસુવિધા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા નવી સિવિલમાં ફાળવણી કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ૪૭ નવી વ્હીલચેર અને ઓક્સિજન બોટલ સાથેના ૧૦ અદ્યતન સ્ટ્રેચરને તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેડન્ટ ઈકબાલ કડીવાલા, નર્સિંગ સુપ્રિન્ટેડન્ટ નિરજા પટેલ, ડો.લક્ષ્મણ તેહલાની, ડો.વિનોદ વાર્લેકર, ડો.ભરત પટેલ તથા હોસ્પિટલના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને નર્સિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં વોર્ડ હેડ નર્સને સોંપવામાં આવ્યા હતા.
તાત્કાલિક સારવાર વિભાગ (Emergency)માં ઓક્સિજન બોટલ ધરાવતા નવા ૧૦ સ્ટ્રેચર અને ૪૭ વ્હીલચેર હંમેશા તૈનાત રહેશે. ૨૪/૭ ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટર્સ અને સ્ટાફ માટે પીવાના પાણીની સુવિધા અને મહિલા તબીબો માટે અલગ વિશ્રામખંડ તૈયાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલના તમામ વિભાગોમાં જૂના અને તૂટેલા સાધનો દૂર કરી નવા અને ગાદીવાળા સ્ટ્રેચર તથા વ્હીલચેરનો ઉપયોગ સુનિશ્ચિત કરવા આદેશ અપાયા છે.
દર્દીઓના સગાઓ માટે બેસવાની વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, પૂરતા પ્રમાણમાં નવી ચાદર, ચારસા અને ગાદલાંની ઉપલબ્ધતા વધારવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રૂમ સહિત તમામ વિભાગોની સાફ-સફાઈ અને અન્ય ખામીઓને દૂર કરવા માટે તંત્ર સતત કાર્યરત છે. ત્યારે આગામી દિવસોમાં દર્દીઓને હાલાકી ન પડે તેવું આયોજન કરવામાં આવશે.
દર્દીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે જોવાની જવાબદારી હોસ્પિટલ તંત્રની છે. હોસ્પિટલની ગુણવત્તા અને દર્દીઓની સુવિધામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. સુરત સિવિલ હોસ્પિટલને વધુ દર્દીલક્ષી અને અદ્યતન બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે એવી આરોગ્ય મંત્રીશ્રીની સ્પષ્ટ સૂચના અન્વયે નવી સિવિલમાં દર્દીલક્ષી વ્યવસ્થા વધારવામાં આવી રહી છે.



