એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતનું વર્ચસ્વ કાયમ રહ્યું

એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતનું વર્ચસ્વ કાયમ રહ્યું
દુબઈ: ડાબેરી બેટર તિલક વર્માએ શાનદાર બેટિંગ કરીને અડધી સદી ફટકારતાં ભારતે એશિયા કપ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાન સામે જોરદાર લડત આપીને ભારતને પાંચ વિકેટે રોમાંચક વિજય અપાવ્યો હતો. ભારત એક સમયે નબળી સ્થિતિમાં આવી ગયું હતું પરંતુ તિલક વર્માએ છેક સુધી હિંમત હાર્યા વિના બેટિંગ કરી હતી. આ સાથે એશિયા કપ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતે પોતાના આ કટ્ટર હરીફ સામે વર્ચસ્વ કાયમ રાખ્યું હતું. પાકિસ્તાનને આ ટુર્નામેન્ટમાં સળંગ ત્રીજા રવિવારે ભારત સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. આમ આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારતે વિજયની હેટ્રિક નોંધાવી હતી.અહીંના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાન તેની ૨૦ ઓવર પૂરી કરી શક્યું ન હતું અને ૧૯.૧ ઓવરમાં ૧૪૬ રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગયું હતું જેના જવાબમાં ભારતે ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૦ રન કર્યા હતા. તિલક વર્મા ૫૩ બોલમાં ચાર સિક્સર સાથે ૬૯ રન ફટકારીને અણનમ રહ્યો હતો.મેચ જીતવા માટે ૧૪૭ રનના ટારગેટ સામે રમતાં ભારતે પણ કંગાળ પ્રારંભ કર્યો હતો. જે રીતે પાકિસ્તાને અંતમાં વિકેટો ગુમાવી હતી તે રીતે ભારતે શરૂઆતમાં વિકેટો ગુમાવી હતી. ટુર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ બેટર અભિષેક શર્માનું નુકસાન ભારતને ભારે પડયું હતું તે બીજી ઓવરના પહેલા બોલે ફહીમ અશરફના બોલે આઉટ થઈ ગયો હતો તો શુભમન ગિલ ૧૨ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે માત્ર એક રન કરીને આઉટ થઈ જતાં ભારતે ચોથી ઓવરના અંતે ૨૦ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તિલક વર્મા અને સંજુ સેમસને સ્કોર ૭૭ સુદી પહોંચાડયો ત્યારે સેમસન મક્કમ રીતે રમી રહ્યો હતો પરંતુ પ્રતિભાશાળી સ્પિનર અબરાર અહેમદે તેને આઉટ કરી દીધો હતો. સંજુએ ૨૧ બોલમાં ૨૪ રન ફટકાર્યા હતા.તિલક વર્મા અને શિવમ દૂબેએ શાનદાર લડત આપીને ટીમનો સ્કોર ૭૭થી ૧૩૭ સુધી પહોંચાડયો હતો. ૧૯મી ઓવરના છેલ્લા બોલે શિવમ દૂબે ૨૨ બોલમાં બે સિક્સર સાથે ૩૩ રન ફટકારીને આઉટ થયો હતો. તે સમયે ભારતને જીતવા માટે દસ રનની જરૂર હતી. અગાઉ ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જે રીતે સાહિબજાદા ફરહાન અને ફખર ઝમાને પાકિસ્તાન માટે ઝડપી પ્રારંભ કર્યો હતો તે જોતાં સૂર્યકુમારનો આ નિર્ણય યોગ્ય જણાતો ન હતો. પાકિસ્તાની ઓપનિંગ જોડીએ દસમી ઓવર સુધીમાં જ ૮૪ રન ફટકારી દીધા હતા.ફરહાન વધારે આક્રમક હતો. તેણે માત્ર ૩૮ બોલમાં ૫૭ રન ફટકારી દીધા હતા જેમાં ત્રણ સિક્સર ઉપરાંત પાંચ ચોગ્ગાનો સમાવેશ થતો હતો. ફખર ઝમાને પણ એવી જ આક્રમક બેટિંગ કરી હતી. તેણે ૩૫ બોલમાં સિક્સર સાથે ૪૬ રન ફટકાર્યા હતા.જોકે ૧૩મી ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર ૧૧૩ હતો ત્યારે ભારતીય સ્પિનર અને ખાસ કરીને કુલદીપ યાદવે વળતો પ્રહાર કર્યો હતો. તેને અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીનો સહકાર સાંપડયો હતો. આ ત્રણેય સ્પિનરે હરીફ ટીમની બેટિંગ હરોળ તોડી નાખી હતી. ફરહાનના ૫૭ અને ઝમાનના ૪૬ રન બાદ એકમાત્ર સઇમ ઐયુબ એવો બેટર હતો જે ડબલ ફિગર સુધી પહોંચી શક્યો હોય. આ સિવાય ચોથા ક્રમથી ૧૧મા ક્રમ સુધીનો એકેય બેટર ડબલ ફિગર સુધી પહોંચી શક્યો ન હતો.