ચેક બાઉન્સ કેસમાં કઠોર કોર્ટનો મોટો ચુકાદો, આરોપીને ૧ વર્ષની કેદ અને રૂ. ૧૬.૫૦ લાખ ૬% વ્યાજ સાથે ચૂકવવા હુકમ

ચેક બાઉન્સ કેસમાં કઠોર કોર્ટનો મોટો ચુકાદો, આરોપીને ૧ વર્ષની કેદ અને રૂ. ૧૬.૫૦ લાખ ૬% વ્યાજ સાથે ચૂકવવા હુકમ
જમીનના સોદાના વ્યવહારમાં આપેલો રૂ. ૧૬.૫૦ લાખનો ચેક ‘ફંડ્સ ઇન્સફિશિયન્ટ’ના કારણે પાછો ફર્યો હતો
ફરિયાદી પક્ષના એડવોકેટ સી. કે. વેકરિયાની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે સજા ફટકારી
સુરત : શહેરની કઠોર કોર્ટમાં ચાલી ગયેલા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ (ચેક રિટર્ન) હેઠળના એક મહત્વના કેસમાં નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી પટોળીયા અમિતભાઈ બાલુભાઈને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે, તેમજ ફરિયાદીને વળતર પેટે ચેકની મૂળ રકમ રૂ. ૧૬,૫૦,૦૦૦/- ફરિયાદ દાખલ થયાની તારીખથી વાર્ષિક ૬% સાદા વ્યાજ સાથે બે મહિનામાં ચૂકવી આપવા આદેશ કર્યો છે.
કેસની વિગત મુજબ, ફરિયાદી હરસુખભાઈ ગોબરભાઈ બોરડ અને આરોપી અમિતભાઈ પટોળીયા વચ્ચે જમીનના સોદા સંદર્ભે નાણાકીય વ્યવહાર થયો હતો. આ વ્યવહાર અંતર્ગત આરોપી પાસેથી ફરિયાદીને રૂ. ૧૬,૫૦,૦૦૦/- લેવાના બાકી નીકળતા હતા. આ કાયદેસરની જવાબદારી પેટે આરોપીએ બે ચેક આપ્યા હતા. ફરિયાદીએ આ ચેક બેંકમાં રજૂ કરતા તે *”Funds Insufficient” (ખાતામાં અપૂરતું ભંડોળ) ના શેરા સાથે પરત ફર્યા હતા. ત્યારબાદ ફરિયાદી દ્વારા કાયદેસરની નોટિસ મોકલવા છતાં આરોપીએ રકમ ન ચૂકવતા આખરે કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા.
સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના વકીલ ચંદ્રેશ કે. વેકરિયા (સી. કે. વેકરિયા) દ્વારા કોર્ટ સમક્ષ ધારદાર અને વિસ્તૃત દલીલો રજૂ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આરોપીએ ચેક આપ્યાની હકીકત કે ચેક પરની સહી અંગે કોઈ વિવાદ ઊભો કર્યો નથી. વળી, એન.આઈ. એક્ટની કલમ-૧૧૮ અને ૧૩૯ હેઠળ ફરિયાદીની તરફેણમાં ઊભા થતા કાયદાકીય અનુમાનોનું ખંડન કરવામાં પણ આરોપી પક્ષ સંપૂર્ણ નિષ્ફળ રહ્યો છે.
નામદાર કોર્ટે ફરિયાદી પક્ષે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, મૌખિક જુબાની અને એડવોકેટ સી. કે. વેકરિયાની કાયદાકીય દલીલોને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે માન્યું કે ફરિયાદીનો કેસ નિઃશંકપણે સાબિત થાય છે. પરિણામે, અદાલતે આરોપીને દોષિત ઠેરવી ૧ વર્ષની જેલની સજાની સાથે ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ-૩૫૭(૩) મુજબ આર્થિક વળતર ચૂકવવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે.



