પ્રાદેશિક સમાચાર

શિયાળામાં પણ શાકભાજીના ભાવ આસમાને :ગૃહિણીઓ પરેશાન

શિયાળામાં પણ શાકભાજીના ભાવ આસમાને :ગૃહિણીઓ પરેશાન
મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. જીવન જરૂરી વસ્તુના ભાવમાં સતત વધારાને કારણે ગરીબો અને સામાન્ય લોકોની સ્થિતિ મુશ્કેલ બની રહી છે. શિયાળો શરૂ થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક જગ્યાએ હજુ શાકભાજીના ભાવ ખુબ વધારે છે. લસણ તો ૫૦૦ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ સિવાય અન્ય શાકભાજીના ભાવ પણ ખુબ વધુ છે.
ઠંડીની મોસમમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે..એક કિલો લસણનો ભાવ ૫૦૦ રૂપિયા પર પહોંચ્યો છે..જેના કારણે ગૃહિણીઓ માટે રસોઈમાં લસણનો ઉપયોગ કરવો મુશ્કેલ થયો છે. ગુજરાતમાં મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી મોટાપાયે લસણની આયાત થાય છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદના કારણે બંને રાજ્યોમાં લસણનું ઉત્પાદન ઓછું થયું છે. પુરતા પ્રમાણમાં લસણ ન આવતા ભાવ સતત વધી રહ્યા છે. જૂના લસણનો સ્ટોક પુરો થયો છે અને નવું લસણ આવ્યું નથી એટલે ભાવ આસમાને પહોંચ્યો છે. હજુ બે મહિના લસણના ભાવ આવા જ રહેવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
ગુજરાતમાં બે વર્ષ પહેલા લસણનો ભાવ સામાન્ય રીતે ૭૦-૭૫ રૂપિયા પ્રતિ કિલો હતો. પરંતુ હવે તેમાં ૬-૭ ગણો વધારો થઈ ગયો છે. અત્યારે લસણનો ભાવ ૫૦૦ રૂપિયા આસપાસ પહોંચી ગયો છે. સમયાંતરે પડી રહેલા કમોસમી વરસાદે પણ લસણના ભાવ પર અસર કરી છે. શિયાળો શરૂ થયો છે પરંતુ હજુ સુધી લીલા લસણની આવક શરૂ થઈ નથી. તેવામાં હજુ લોકોને લસણના ભાવમાં રાહત મળે તેમ લાગી રહ્યું નથી. સામાન્ય રીતે શિયાળો શરૂ થતાં શાકભાજીની આવક શરૂ થઈ જતી હોય છે. શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતા હોય છે. પરંતુ આ વખતે હજુ શાકભાજીના ભાવ આસમાને છે. શાકભાજીના ભાવને કારણે ગૃહિણીઓ પરેશાન છે. અમદાવાદમાં વટાણા, મેથી, ગાજર અને તુવેરનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો છે. ટામેટા અને ડુંગળી ૮૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યાં છે. આ સિવાય ગુવાર, ભીંડા, મરચા સહિત અન્ય શાકભાજીના ભાવ પણ ખુબ વધુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button