ગુજરાત

શિનોર તાલુકામાં પહેલા દારૂ અને હવે દવાનો કચરો: સાધલી-અવાખલ રોડ પર બાયોમેડિકલ વેસ્ટનો મોટો જથ્થો મળતા ચકચાર

શિનોર તાલુકામાં પહેલા દારૂ અને હવે દવાનો કચરો: સાધલી-અવાખલ રોડ પર બાયોમેડિકલ વેસ્ટનો મોટો જથ્થો મળતા ચકચાર
શિનોર : શિનોર તાલુકામાં ગુનાહિત બેદરકારીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકામાં હજુ તાજેતરમાં જ વિદેશી દારૂની ખાલી બોટલોનો મોટો જથ્થો ખુલ્લામાંથી મળી આવ્યો હતો, જેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ આજે સાધલીથી અવાખલ જવાના મુખ્ય રસ્તા પર સબ સ્ટેશન નજીક મોટા પ્રમાણમાં પ્રતિબંધિત બાયોમેડિકલ વેસ્ટ બિનવારસી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે.
રોડ પર ઈન્જેક્શનની બોટલો અને એમ્પ્યુલ્સનો ખડકલો
પ્રાપ્ત વિગતો અનુસાર, સાધલી-અવાખલ મેઈન રોડ પર આવેલા ૬૬ કેવી સબ સ્ટેશનની આગળ ખુલ્લી જગ્યામાં ૩૦ ml અને ૧૦ ml ના ઇન્જેક્શનના વાયલો (ખૂબ મોટી સંખ્યામાં કાચની બોટલો) તેમજ એમ્પ્યુલ્સનો વિશાળ જથ્થો કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ફેંકી દેવામાં આવ્યો છે. પશુઓ અને માનવ જિંદગી માટે અત્યંત જોખમી એવો આ તબીબી કચરો ભરચક રસ્તા પર ખુલ્લામાં પડ્યો હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તંત્રો વચ્ચે ‘હરીફાઈ’ જેવો ઘાટ!
તાલુકામાં એક પછી એક સામે આવી રહેલી આવી ઘટનાઓથી જનતામાં એવી ચર્ચા ચાલી રહી છે કે જાણે પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્ર એકબીજા સાથે હરીફાઈ કરી રહ્યા હોય! પહેલા દારૂનો જથ્થો પકડાયો અને હવે મેડિકલ વેસ્ટનો મોટો સ્કેમ સામે આવ્યો છે, જેનાથી સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે.
શું કહેવું છે સાંસદ મનસુખભાઈ વસાવાનું?
આ વિસ્તારના લોકપ્રિય સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા વારંવાર જણાવતા આવ્યા છે કે, કેમિકલયુક્ત દેશી-વિદેશી દારૂ મનુષ્યના આરોગ્ય માટે ઘાતક છે. એ જ રીતે, આ પ્રકારે ખુલ્લામાં ફેંકાયેલો બાયોમેડિકલ વેસ્ટ પણ રખડતા પશુઓ તેમજ રાહદારીઓ માટે જીવનું જોખમ (જાનહાનિ) ઊભું કરી શકે છે.
જનતામાં ઊઠતા સવાલો
આ ગંભીર લાપરવાહી સામે આવ્યા બાદ સાધલી અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં તીવ્ર પ્રતિક્રિયાઓ પડી રહી છે. લોકો પૂછી રહ્યા છે કે:
આરોગ્યના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને આટલો મોટો જથ્થો અહી કોણ ફેંકી ગયું?
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને સ્થાનિક આરોગ્ય વિભાગ અત્યાર સુધી શું કરી રહ્યું હતું?
શિનોર પોલીસ તથા આરોગ્યતંત્ર આ બાબતે કડક તપાસ કરીને કસુરવાર હોસ્પિટલ કે લેબોરેટરી સામે કાયદેસરના પગલાં ભરશે ખરા?
સ્થાનિકોની માગ છે કે આ જોખમી કચરાનો સત્વરે નિકાલ કરવામાં આવે અને સીસીટીવી ફૂટેજ તેમજ બોટલોના બેચ નંબરના આધારે ગુનેગારોને શોધીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button