સાધલીમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ નિમિત્તે યોજાયેલ અભિયાન વચ્ચે ઠેર-ઠેર કચરાના ઢગલા

સાધલીમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ નિમિત્તે યોજાયેલ અભિયાન વચ્ચે ઠેર-ઠેર કચરાના ઢગલા

શિનોર : કેન્દ્રની ભાજપ સરકારના અવિરત ૧૨ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દેશભરમાં ‘વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણ’ના ધ્યેય સાથે વિશેષ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ૮ જૂનથી ૧૪ જૂન ૨૦૨૬ દરમિયાન રોજ સવારે ૬૦ મિનિટ માટે દરેક ગામ, મંડલ અને વોર્ડમાં ૧૦-૧૦ લોકોની ટીમ બનાવી ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરાઈ છે. પરંતુ શિનોર તાલુકાના મુખ્ય મથક સાધલી મુકામે આ સરકારી કાર્યક્રમ માત્ર નેતાઓ અને કાર્યકરો માટે ‘ફોટો સેશન’ પૂરતો સીમિત રહી ગયો હોય તેમ દેખાઈ રહ્યું છે.
“સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ”ના સૂત્રો હવામાં ઉડ્યા!
એક તરફ “સ્વચ્છતા છે સંસ્કાર, સ્વચ્છતા છે સેવા” અને “એક ડગલું સ્વચ્છતા તરફ” જેવા રૂપેરી સૂત્રો સાથે ઝાડુ હાથમાં પકડીને ફોટા પડાવવાની હોડ જામી છે, ત્યારે બીજી તરફ સાધલીના મુખ્ય વિસ્તારોમાં ગંદકી અને કચરાના સામ્રાજ્યે તંત્ર અને શાસક પક્ષના દાવાઓની પોલ ખોલી નાખી છે. ગામના અનેક જાહેર સ્થળો પર કચરાના ઢગલા જામ્યા છે, જે પર્યાવરણના લીરેલીરા ઉડાવી રહ્યા છે.
સાધલીના આ સ્થળો બન્યા ‘ડમ્પિંગ સાઇટ’:
ગામના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, નીચેના જાહેર સ્થળોએ કચરાના ગંજ ખડકાયા હોવા છતાં જવાબદારોને તે દેખાતા નથી:
કોમ્યુનિટી હોલની સામે અને કેબીનોની પાછળનો ભાગ
વેરાઈ માતાના ઓવારાની પાસે
સાધલી સ્ક્વેર શોપિંગ સેન્ટરની બહાર
મનન વિદ્યાલય પાસે જાહેર રોડ પર
પોલીસ ચોકી તોડી પાડેલી તે જાહેર જગ્યા પર
તળાવની પાળ અને અન્ય જાહેર માર્ગો પર
પહેલા દારૂ, પછી બાયોમેડિકલ વેસ્ટ અને હવે પ્લાસ્ટિકના ઢગલા!
સાધલીમાં ગંદકીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. અગાઉ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલોનો જથ્થો, ત્યારબાદ તાજેતરમાં જ રોડ પર બિનવારસી મળી આવેલો જોખમી બાયોમેડિકલ વેસ્ટ અને હવે આખા ગામમાં પ્લાસ્ટિક તથા કચરાના પહાડો સ્થાનિક વહીવટી તંત્રની ઘોર નિષ્કાળજી છતી કરે છે.
વેપારીઓ પોતે જ સાફ-સફાઈ કરે છે, પંચાયત ક્યારે જાગશે?
કડવી વાસ્તવિકતા તો એ છે કે સાધલીના મુખ્ય બજારમાં વર્ષોથી કોઈ સરકારી સફાઈ કર્મચારી ડોકાતો પણ નથી. અહીંના સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓ રોજ સવારે પોતે જાતે કચરો સાફ કરે છે, અને જનતાની આ જ મહેનત સાચી સ્વચ્છતા સાબિત થઈ રહી છે. ગ્રામજનોની માંગ છે કે સાધલી ગ્રામ પંચાયત આ ગંદકીના પ્રશ્નનો કોઈ કાયમી ઉકેલ લાવે.
સાથે જ, ગામમાં સ્થાપિત કરવામાં આવેલી ત્રણ રાષ્ટ્રીય મહાપુરુષોની પ્રતિમાઓની માત્ર તહેવારો કે પ્રસંગોપાત જ સફાઈ કરવામાં આવે છે, જેની નિયમિત અને કાયમી સફાઈ થાય તેવી લોકમાંગ ઉઠી છે. હવે જોવાનું એ રહે છે કે આ વિશેષ સપ્તાહમાં માત્ર ફોટા જ પડશે કે સાધલીને ખરેખર ગંદકીમાંથી મુક્તિ મળશે?



