ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે સુશ્રી શાલિની દુહાને ચાર્જ સંભાળ્યો

ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે સુશ્રી શાલિની દુહાને ચાર્જ સંભાળ્યો
જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ સહિત મહેસુલી અધિકારીઓએ કલેકટરશ્રીને આવકાર્યા ગત દિવસોમાં રાજ્યમાં ૧૬ જેટલા આઈ.એ.એસ. અધિકારીઓના થયેલા બદલીના હુકમ અનુસાર, ડાંગ જિલ્લા કલેક્ટર તરીકે ગાંધીનગર સ્થિત અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સુશ્રી શાલિની દુહાનની નિમણૂક કરવામાં આવી હતી. જેના અનુસંધાને તાં. ૨૧ એપ્રિલના રોજ ડાંગ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સુશ્રી શાલિની દુહાને વિધિવત તેમનો ચાર્જ સંભાળી લીધો છે. આ પ્રસંગે જિલ્લાની વિવિધ કચેરીઓ/વિભાગના અધિકારીઓ સહિત મહેસુલી અધિકારીઓએ કલેક્ટરશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ડાંગ કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ તેઓએ જિલ્લાના અધિકારીઓ પાસેથી જિલ્લાની પરિસ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો. તેમજ જિલ્લાને વધુ સારી રીતે વિકાસના પંથે અગ્રેસર કરવા, સાથે સુશાસનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુશ્રી શાલિની દુહાન પાનિપત (હરિયાણા) ના વતની છે, અને તેઓ વર્ષ ૨૦૧૬ના સનદી અધિકારી છે. આ અગાઉ તેમણે વિવિધ વિભાગના મહત્વપૂર્ણ હોદ્દાઓ ઉપર તેમની ફરજ સફળતાપૂર્વક બજાવી છે.