નવી દિલ્હીમાં યોજાનાર સ્વતંત્રતા દિવસ સમારોહ તેમજ રાષ્ટ્રપતિ ભવનના ‘એટ હોમ’ રિસેપ્શનમાં સુરતની સંસ્કૃતિ સિંહને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ

નવી દિલ્હીમાં યોજાનાર સ્વતંત્રતા દિવસ સમારોહ તેમજ રાષ્ટ્રપતિ ભવનના ‘એટ હોમ’ રિસેપ્શનમાં સુરતની સંસ્કૃતિ સિંહને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ
દિલ્હી ખાતે ૭૯માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યના સુરત જિલ્લાની સંસ્કૃતિ સિંહને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવી છે. સાથે સાથે તેમને રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે યોજાનાર પ્રતિષ્ઠિત ‘એટ હોમ’ રિસેપ્શનમાં પણ સામેલ થવા માટે આમંત્રણ મળ્યું છે, જે સુરત જિલ્લા અને માય ભારત વિભાગ માટે ગૌરવની ક્ષણ છે.
મેરા યુવા ભારત, યુવા કાર્યક્રમ અને કેન્દ્રના રમત-ગમત મંત્રાલય દ્વારા માય ભારત પોર્ટલ મારફતે વર્ષ દરમિયાન યોજાતી યુવા વિકાસ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સંસ્કૃતિ સિંહની પસંદગી કરવામાં આવી છે. તેમણે યુવા વિનિમય કાર્યક્રમ, રોડ સેફ્ટી અવેરનેસ, યુવા સંસદ તથા અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય સ્વયંસેવક તરીકે મહત્વપૂર્ણ કામગીરી કરી છે.
આ અંગે સુરત જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માએ સંસ્કૃતિ સિંહને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાંથી માત્ર બે યુવાઓની પસંદગી થઈ છે જેમાં સુરતની સંસ્કૃતિ સિંહનો સમાવેશ ગર્વની બાબત છે. તેમણે જણાવ્યું કે આ સિદ્ધિ તેમના વ્યક્તિગત સમર્પણની સાથોસાથ જિલ્લાના તમામ યુવાઓ માટે પ્રેરણાદાયી છે. તેઓ દિલ્હી ખાતે આગામી સ્વતંત્રતા પર્વ સમારોહમાં સામેલ થશે. નોંધનીય છે કે, સંસ્કૃતિ સિંહ હાલમાં કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (CSR) વિષયમાં માસ્ટર્સ કરી રહી છે અને સાથે સાથે સામાજિક ક્ષેત્રમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે.