માનવમાંથી મહામાનવ ભારતરત્ન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર

માનવમાંથી મહામાનવ ભારતરત્ન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર
મહામાનવ ક્યારેય અવતાર ધારણ કરીને આવતાં નથી કે જન્મતાની સાથે કોઈ મહામાનવ બની જતું નથી પરંતુ અથાગ પુરૂષાર્થ, સંઘર્ષ તથા સખત અને સતત વાંચનનાં પરીણામે માનવ માંથી મહામાનવ બની શકે છે, ડૉ ભીમરાવ આંબેડકર સાહેબના જીવન પરીચય દ્વારા ખ્યાલ આવે છે કે કઈ રીતે તેમણે સામાન્ય માણસ માંથી મહામાનવ બનવાની સફર ખેડી. વર્ણવ્યવસ્થા ની માનસિક બીમારી વાળી સમાજ વ્યવસ્થામાં સામાન્ય માણસોની જેમ જ માતા ભીમાભાઇ ની કૂખે તેમનો જન્મ થયો હતો. સામાન્ય બાળકોની જેમજ તેમનું પણ બાળપણ વીત્યું હતું પરંતુ તેમનાં પિતાજી રામજી માલોજી શકપાલ સુબેદાર હોવાને કારણે તેમને ભણવાની તક મળી ગઈ અને ભણવાની પોતાની ધગસ, મહેનત અને મહત્વાકાંક્ષાનાં પરિણામે તેઓએ સામાન્ય માણસમાંથી મહામાનવ બનવા તરફ પ્રયાણ કર્યું અને વર્ણવ્યવસ્થા ની છેલ્લી પાટલીએ બેઠેલા મહાર જ્ઞાતિમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરનાર તેઓ પ્રથમ વિદ્યાર્થી બન્યા. કોલેજ સુધીનાં અભ્યાસ દરમિયાન અછૂતપણા રૂપી ઝેરનાં ઘૂંટડા પી જઈને તેમણે શિક્ષણરૂપી મહાસાગરમાં પ્રસ્થાન કર્યું. મહારાજા સયાજીરાવ ગાયકવાડની મદદથી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા, ઇંગ્લેન્ડ અને જર્મની ગયા. ત્યાં રાત દિવસ સખત મહેનત કરીને ઉચ્ચ કક્ષાની પદવીઓ મેળવી સ્વદેશ પાછા ફર્યા પરંતુ જ્ઞાતિવાદનું ઝેર ભારત આવતાં જ તેમને ડંખવા લાગ્યું. સમગ્ર ભારતમાં ફેલાયેલા જ્ઞાતિ જાતિનાં ભેદભાવોને દૂર કરવા માટે તેમણે સતત પ્રયત્નો કર્યાં અને કહ્યું કે “શિક્ષિત બનો, સંગઠિત બનો, અને સંઘર્ષ કરો” તો જ તમે તમારા અધિકારો મેળવી શકશો. આ ઉપરાંત તેઓએ અનેક આંદોલનો કર્યાં. તેમજ વિશ્વનું સૌથી લાંબુ, વિશદ અને વિસ્તૃત ભારતનું બંધારણ લખવામાં મહત્વપૂર્ણ ભૂમિકાનું નિર્વહન કર્યું. તેમજ દેશનાં પ્રથમ કાયદા પ્રધાન પણ બન્યા. આમ તેમણે સામન્ય માનવમાંથી મહામાનવ બનવા સુધીની સફર ખેડી.