ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં ગારમેન્ટ ક્ષેત્રે સૌથી વધુ લાભ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને મળી રહેશે

ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં ગારમેન્ટ ક્ષેત્રે સૌથી વધુ લાભ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને મળી રહેશે
પીએમ મિત્રા પાર્કને કેટેગરી એકના સમકક્ષ ગણી તેમાં સ્થપાતા ટેક્ષ્ટાઇલ એકમોને સૌથી વધુ લાભ નવી ટેક્ષ્ટાઇલ પોલિસીને કારણે મળી રહેશે : ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા
ચેમ્બર ઓફ કોમર્સની સતત રજૂઆતને પગલે ફાયબરમાંથી યાર્ન બનાવતા સ્પીનિંગ એકમોને પણ પ્રથમ વખત ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦ર૪માં આવરી લેવામાં આવ્યા
નવી ટેક્ષ્ટાઇલ પોલિસી માટે ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતભાઈ રાજપુત અને રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીનો આભાર માન્યો
સુરતઃ ગુજરાત સરકાર દ્વારા નવી ટેક્ષ્ટાઇલ પોલીસી– ર૦ર૪ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આજરોજ ગાંધીનગર ખાતે રાજ્યની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી, આથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વખતથી રાજ્યની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી અને આ પોલિસી માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સતત પ્રયત્નો ચાલુ રહ્યા હતા. ખાસ કરીને ટેક્ષ્ટાઇલની ટફ સબસિડી બંધ હોવાને કારણે ચેમ્બરની માંગ હતી કે રાજ્યની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં અપફ્રન્ટ કેપિટલ સબસિડી આપવામાં આવે. રાજ્યની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં ચેમ્બર ઓફ કોમર્સની માંગણી મુજબ અપફ્રન્ટ કેપિટલ સબસીડી ૧૦ ટકાથી ૩પ ટકા સુધીની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ઇન્ટરેસ્ટ સબસિડી પાંચથી સાત ટકા સુધી ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ આઠ વર્ષ સુધી મળી રહેશે. આ ઉપરાંત એક રૂપિયાની પાવર સબસિડી પણ આપવામાં આવી છે. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો ડિસ્કોમ તથા ઓપન એકસેસમાંથી પાવર લેશે તો પણ પ્રતિ યુનિટ એક રૂપિયાની સબસિડીની મળી રહેશે.
કેટેગરી ત્રણમાં આવતા તાલુકાઓમાં સ્થપાતા ટેક્ષ્ટાઇલ એકમોને (ગારમેન્ટીંગ અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ)ને વધુમાં વધુ રૂપિયા પ૦ કરોડની કેપિટલ સબસિડી મળી રહેશે. તથા વિવિંગ, નીટિંગ અને પ્રોસેસિંગ ક્ષેત્રે ઉપરોકત કેટેગરી ત્રણમાં આવતા તાલુકાઓમાં સ્થપાતા ટેક્ષ્ટાઇલ એકમોને રૂપિયા ૪૦ કરોડ સુધીની સબસિડી મળવાપાત્ર થશે. કેટેગરી એકમાં આવતા તાલુકાઓમાં સ્થપાતા વિવિંગ, નીટિંગ અને પ્રોસેસિંગ કે સ્પીનિંગ એકમોને પણ વધુમાં વધુ કેપિટલ સબસિડીની કેપ રૂપિયા પ૦ કરોડ સુધીની રહેશે. તથા ગારમેન્ટીંગ અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે આ રકમ રૂપિયા ૧૦૦ કરોડ સુધી જશે.
આ ઉપરાંત પીએમ મિત્રા પાર્કને કેટેગરી એકના સમકક્ષ ગણી સૌથી વધુ લાભ આપવામાં આવ્યા છે ત્યારે પીએમ મિત્રા પાર્કમાં સ્થપાતા ટેક્ષ્ટાઇલ એકમોને તેનો સૌથી વધુ લાભ મળી રહેશે. ચેમ્બર ઓફ કોમર્સની સતત રજૂઆતને પગલે ફાયબરમાંથી યાર્ન બનાવતા સ્પીનિંગ એકમોને પણ પ્રથમ વખત ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦ર૪માં આવરી લેવામાં આવ્યા છે.
ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ પોલિસીના અભાવે સુરતના ઘણા ટેક્ષ્ટાઇલ એકમો મહારાષ્ટ્રમાં નવાપુર પાસે શિફટ થઇ રહયા હતા. નવી ટેક્ષ્ટાઇલ પોલિસી જાહેર થયા બાદ સુરતના ટેક્ષ્ટાઇલ એકમોના શીફટીંગમાં ઘટાડો આવશે. આ પોલિસીમાં ગારમેન્ટ સેકટર માટે ઘણી પ્રોત્સાહક યોજનાઓ આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને કેપિટલ સબસિડી, પાવર સબસિડી તથા ઇન્ટરેસ્ટ સબસિડીની સાથે સાથે પેરોલ એસેસમેન્ટ આપવામાં આવ્યું છે, જે ખૂબ જ આવકારદાયક યોજના છે. આને કારણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગારમેન્ટ સેકટરનો ખૂબ મોટા પાયે વિકાસ થશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઘણા વર્ષથી ગારમેન્ટ ક્ષેત્રે ખાસ ઇન્સેન્ટીવની માંગ કરવામાં આવી રહી હતી ત્યારે નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં ગારમેન્ટ ક્ષેત્રે સૌથી વધુ લાભ આપવામાં આવ્યો છે, જેનો લાભ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને મળી રહેશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સુરત સહિત દક્ષિણ ગુજરાતના આર્થિક વિકાસમાં અને રોજગારી ક્ષેત્રે મોટું યોગદાન આપે છે. આવા સંજોગોમાં નવી ટેક્ષ્ટાઇલ પોલિસીની જાહેરાતને કારણે એમએમએફ ફેબ્રિકનું હબ ગણાતું સુરત હવે એમએમએફ ગારમેન્ટનું પણ હબ બની રહેશે. એકંદરે, રાજ્યની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ વર્ગને આવરી લેવામાં આવ્યા છે. ખાસ કરીને એમએમએફ સ્પીનિંગમાં પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબર અને વિસ્કોસ સ્ટેપલ ફાઇબરમાંથી યાર્ન બનાવતા ટેક્ષ્ટાઇલ એકમોને પણ ઇન્સેન્ટીવ આપવામાં આવ્યું છે, જે ચેમ્બર ઓફ કોમર્સની ઘણા સમયથી માંગ હતી. વર્ષ ર૦૧૯ની જૂની ટેક્ષ્ટાઇલ પોલિસીમાં સ્પીનિંગનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે એમએમએફને લાભ આપવા માંગ કરી હતી, જેનો ઉલ્લેખ નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં કરવામાં આવ્યો છે.
ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસી માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતભાઈ રાજપુત અને રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીનો આભાર માનવામાં આવ્યો હતો.