ગુજરાત

ઓલપાડ તાલુકાના મોર ગામે રૂ.૧.૭૫ કરોડના ખર્ચે સાકાર થનાર હાઇસ્કૂલનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

ઓલપાડ તાલુકાના મોર ગામે રૂ.૧.૭૫ કરોડના ખર્ચે સાકાર થનાર હાઇસ્કૂલનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

હાઈસ્કુલમાં કોમ્પ્યુટર લેબથી મિનરલ વોટર સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે:વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મોર ગામે રૂ. ૧.૭૫ કરોડના ખર્ચે સાકાર થનારી આધુનિક સુવિધાઓથી સજ્જ હાઇસ્કૂલનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ અવસરે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટર, આઉટડોર રમતો માટેનું મેદાન, ગાર્ડન, પ્રાર્થના ખંડ, ભોજન ખંડ અને પીવાના શુદ્ધ મિનરલ વોટર પ્લાન્ટ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. સુવિધાયુક્ત ભવન સાકાર થવાના કારણે તેમજ આધુનિક સ્માર્ટ કલાસના કારણે બાળકોને આધુનિક અને વૈશ્વિક સ્તરનું શિક્ષણ મળશે. આ અવસરે મંત્રીશ્રીએ શાળાના નિર્માણ માટે પોતાની ગ્રાન્ટમાંથી રૂ.૧૦ લાખ આપવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, મોર ભગવા ઓલપાડ તાલુકાનું છેવાડાનું ગામ છે. આ ગામ સમગ્ર ગુજરાતનું સૌથી મોટું ગામ છે, અને અહીં વસ્તી સંખ્યાની દૃષ્ટિએ વધુ લોકો વસે છે. ગામના લોકો દરિયામાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. વર્ષો જૂની મોર હાઇસ્કૂલમાં ગામના અનેક યુવકો અને યુવતીઓએ ઉચ્ચ અભ્યાસ કરીને સારાં સ્થાનોએ નિમણૂક મેળવી ગામનું નામ રોશન કર્યું છે, જે ગૌરવની વાત છે.
વધુમાં તેમણે કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રીએ દરેક મંત્રી અને સાંસદને એક ગામ દત્તક લેવા અને એ ગામનો વિકાસ કરી સમૃદ્ધ બનાવવા માટે અપીલ કરી હતી. ત્યારે મોર ગામને દત્તક લઇ, ગામને સતત વિકાસ તરફ આગળ વધારવાની કોશિશ કરી છે. ગામમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પહેલાં મોર ગામમાં પાણીની તંગી હતી, પરંતુ હવે ૨૪ કલાક પાણીની ઉપલબ્ધિ છે. પહેલાના સાંકડા રસ્તાઓને કારણે બસ સુવિધા ઉપલબ્ધ ન હતી, પરંતુ હવે સુવિધાયુકત માર્ગોના કારણે ગામમાં બસ સુવિધા ઉપલબ્ધ થઈ છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગ્રામજનોના સહયોગથી મોર હાઇસ્કૂલ હવે આધુનિક સુવિધાઓથી સજ્જ થવા જઇ રહી છે. આ નવા નિર્માણથી વિદ્યાર્થીઓને સમૃદ્ધ અને આધુનિક હાઇસ્કૂલમાં શિક્ષણ મેળવવા સાથે સર્વાંગી વિકાસની તક મળશે. શાળામાં કમ્પ્યુટર લેબ, મિનરલ વોટર અને અન્ય તમામ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ સુવિધાજનક અને પ્રગતિશીલ બનાવશે. આ શાળાનું નિર્માણ થવાથી મોર, ભોગાવો, દેલાસા, મિરજાપોર, ઝીણોદ સહિતના ગામોના બાળકો અહીં અભ્યાસ કરી શકશે અને તેમના માટે ઉત્તમ શિક્ષણની નવી તકો સર્જાશે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નિતાબેન પટેલ, કેળવણી મંડળના પ્રમુખ દક્ષાબેન મિસ્ત્રી, કેળવણી મંડળના ટ્રસ્ટી ભાવેશભાઈ નતાલી અગ્રણી સર્વશ્રીઓ બ્રિજેશભાઈ પટેલ, કુલદીપભાઇ ઠાકોર, ગામના સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત પ્રજાજનો ઉપસ્થિતિ રહ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button