શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરતમાં ‘વચનામૃત’ની ત્રિદિવસીય પારાયણ યોજાઈ, આવતી કાલે શરદોત્સવ ભવ્ય ઉજવણી કરાશે

શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરતમાં ‘વચનામૃત’ની ત્રિદિવસીય પારાયણ યોજાઈ, આવતી કાલે શરદોત્સવ ભવ્ય ઉજવણી કરાશે
“આપણા વ્યવસાયમાં ભગવાનને ભાગીદાર બનાવીશું, તો પ્રગતિ જરૂર થશે જ.” – આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરત મુકામે ચાલી રહેલ ચાર દિવસીય કાર્યક્રમ અંતર્ગત તૃતીય દિવસે આજે તા.15-10-2024 ને મંગળવારે વહેલી સવારે મંગળા આરતીથી કાર્યક્રમનો શુભારંભ થયો. ત્યારબાદ પારાયણના વક્તા સંત શિરોમણિ શ્રી વિજ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ કથામૃતનું રસપાન કરાવ્યું હતું. આજે પારાયણની પૂર્ણાહુતિ હોવાથી યજમાન શ્રી હેમરાજભાઈ ચોટલિયા પરિવારના હૈયે અનેરો ઉત્સાહ હતો. પ.પૂ. આચાર્ય સ્વામીશ્રીનું વાગતે-ગાજતે સ્વાગત સામૈયું કરવામાં આવ્યું. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રીમુખવાણી ‘વચનામૃત’ મહાગ્રંથનું તેમજ વક્તાશ્રીનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું.
આ અણમોલ અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, “જીવનમાં સુખી થવા સત્ય, પ્રામાણિકતાના માર્ગે ચાલવું અતિ આવશ્યક છે. સંસારમાં રહ્યા છીએ તો વ્યવસાય કરીને ભલે કરોડો રૂપિયા કમાઈએ, પણ અનીતિનો માર્ગ ક્યારેય અપનાવવો નહીં. આપણા વ્યવસાયમાં ભગવાનને ભાગીદાર બનાવીશું, તો પ્રગતિ જરૂર થશે જ. પ્રાપ્ત ધનની શુદ્ધિ માટે દશાંશ ભાગ -ભગવાનનો ભાગ કાઢવો જોઈએ અને તેને સત્કાર્યમાં વાપરવો જોઈએ. જીવનમાં સુખી થવા માટે પંચ ઇન્દ્રિયો જીતવી ખૂબ જરૂરી છે. જો રસના ઇન્દ્રિય જીતવામાં આવે તો બાકીની ઇન્દ્રિયો જીતવી સરળ પડે છે, કારણ કે રસના ઇન્દ્રિયથી બાકીની તમામ ઇન્દ્રિયોને પોષણ મળે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે : ‘જેને દ્રવ્યાદિકનો લોભ, સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, રસને વિશે જીહ્વાની આસક્તિ, દેહાભિમાન, કુસંગીમાં હેત અને સંબંધીમાં હેત હોય તે ક્યારેય સુખી થઈ શકે નહીં.’ માટે જીવનમાં સુખી થવા ઇચ્છતાં લોકોએ આ વાતનો વિચાર કરીને વિવેકપૂર્ણ જીવન જીવવું જોઈએ.”
આ અવસરે ગામે ગામના હરિભક્તો સહિત પરદેશના ભાવિક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. આવતી કાલે તા.16-10-2024ના રોજ ભવ્ય શરદોત્સવ યોજાશે. આ દિવ્ય અવસરનો લાભ લેવા પધારવા ભાવિક નગરજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.