શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૪
વિકાસ કમિશનર હિતેશ કોયાએ ઓલપાડ તાલુકાની ૩ શાળાઓમાં ૪૯૪ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો

અસ્નાબાદ પ્રા.શાળામાં ૧૭ અને સરસ પ્રા. શાળામાં ખાતે ૧૪, મહાદેવશાસ્ત્રિ વિદ્યાલય હાઇસ્કૂલમાં ૪૯૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
Surat Olapada News: ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ’’ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે સુરત જિલ્લાના ઓલપાડ ખાતે વિકાસ કમિશનર હિતેશ કોયાએ ઓલપાડ તાલુકાની અસ્નાબાદ પ્રા.શાળા ખાતે ૧૭ ભૂલકાઓ, સરસ પ્રા.શાળામાં ૧૪ ભૂલકાઓ સાથે મહાદેવશાસ્ત્રિ વિદ્યાલય હાઇસ્કૂલમાં ૪૬૩ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો.
આ પ્રસંગે કમિશનર હિતેશ કોયાએ બાળકોને સંબોધતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કાર્યક્રમની શરુઆત કરાવી હતી. ૨૧માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે ખૂબ સારા પરિણામો સાથે ડ્રોપ રેસિયામાં સુધારો થયો છે. નોકરી, ધંધો કે ઉદ્યોગ કરવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. બાળકોના પોષણ માટે પણ સરકાર ખૂબ ચિંતિત છે જેના માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
વધુમાં તેમણે વાલીઓને જણાવ્યું કે, બાળક જ્યારે શાળામાં પ્રવેશ મેળવ્યા પછી વાલીઓની પણ કસોટી શરૂ થઈ જાય છે. વાલીઓએ બાળકો પર ધ્યાન આપી શાળાની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું જોઈએ. શાળાના શિક્ષકોને બાળકોના અભ્યાસ અને ચાલચલગત વિશે પૂછવું જોઈએ. બાળકોના અભ્યાસ પર શિક્ષકોનું યોગદાન ખૂબ જ જરૂરી છે એમ તેમણે ઉમેરી, બાળકોને શુભેચ્છા પાઠવી હતી.
આ અવસરે કમિશનરશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે શાળામાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ પ્રસંગે ઓલપાડ પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા, ઇ.ટીડીઓ નરેશભાઇ, નાયબ મામલતદાર રાજેશભાઈ, સુરત જી. પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ ભાઈ, તા.પંચાયતના સભ્ય અંજુબેન, સરપંચ આનંદભાઈ, શાળાના આચાર્ય અમિતભાઈ પટેલ, મોટી સંખ્યામાં વાલીઓ, અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.