સુરત સખી વન સ્ટોપ સેન્ટરની વધુ એક સફળતા:

સુરત સખી વન સ્ટોપ સેન્ટરની વધુ એક સફળતા:
પરિવારથી નારાજ થઈને સુરત આવી પહોંચેલી ઉત્તરપ્રદેશની કિશોરીનું પરિવાર સાથે પુન:મિલન
સુરત સખી વન સ્ટોપ સેન્ટરના અવિરત પ્રયાસોએ ફરી વાર એક પરિવારને વિખેરાતા બચાવ્યો છે. ઘરેથી ઠપકો આપતા ગુસ્સામાં સુરત આવી ગયેલી ઉત્તર પ્રદેશની ૧૫ વર્ષીય કિશોરીનું યોગ્ય કાઉન્સેલિંગ અને ચાર દિવસ આશ્રય બાદ સખી વન સ્ટોપ સેન્ટર-સુરત દ્વારા પરિવાર સાથે સુખદ મિલન કરાવાયું હતું.
મૂળ ઉત્તરપ્રદેશની રહેવાસી અને માતા-પિતાના અવસાન બાદ કાકા-કાકી સાથે રહેતી ૧૫ વર્ષીય દીકરીને અયોગ્ય પ્રેમસંબંધ માટે ઘરેથી ઠપકો આપી તેનું ભણતર બંધ કરાવી બાળકીને તેના મામાને ત્યાં રહેવા માટે મોકલી આપી હતી. ત્યારે ગુસ્સામાં ઘરેથી નીકળી સુરત આવી પહોંચેલી બાળકીને સખી વન સ્ટોપ સેન્ટરે ચાર દિવસ આશ્રય, માવજત અને યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું. દીકરીની ઉચ્ચ અભ્યાસની ઈચ્છા વિષે પણ જાણીને જીવનની સચ્ચાઈ અને પરિવારના મહત્વ વિષે યોગ્ય સમજ આપી હતી. ત્યારબાદ સખી સેન્ટર દ્વારા યુ.પી પોલીસનો સંપર્ક કરી તેના વાલીને સુરત બોલાવ્યા હતા. અને તેઓને દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે તેમજ તેની સાથે પ્રેમભર્યું વર્તન કરવા સમજાવી મહિલા અને બાળ અધિકારીશ્રી આર. એન. ગામીત અને દહેજ પ્રતિબંધક સંહરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ સલામત રીતે દીકરીનું પરિવાર સાથે મિલન કરાવાયું હતું.
આમ, સુરત સખી વન સ્ટોપ સેન્ટરની દરમિયાનગીરીથી વધુ એક વખત કોઈ પરિવારની ખુશી બરકરાર રહી હતી.