PMSHRI મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. 272માં નવતર પ્રયોગ સાથે ભવ્ય વાલી સંમેલન યોજાયું

PMSHRI મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. 272માં નવતર પ્રયોગ સાથે ભવ્ય વાલી સંમેલન યોજાયું
વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતર માટે વિદ્યાર્થી, વાલી અને શિક્ષકનો ત્રિવેણી સંગમ ખૂબ જરૂરી છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત PMSHRI મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક 272, નાના વરાછા ખાતે શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તા. 19-09-2026, શનિવારના રોજ વાલીઓને અનુકૂળ સમયને ધ્યાનમાં રાખીને રાત્રે 9:00થી 10:30 દરમિયાન ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓના વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાલી સંમેલન પૂર્વે વાલીઓ પાસેથી શાળા અંગેના તેમનાં પ્રતિભાવો અને સૂચનો મંગાવવામાં આવ્યાં હતાં. પ્રાપ્ત થયેલાં પ્રતિભાવ અને સૂચનોને ધ્યાનમાં રાખીને વાલીઓ સાથે પ્રશ્નોત્તરી યોજવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાંપ્રત સમયમાં શિક્ષણક્ષેત્રે થઈ રહેલાં પરિવર્તનો અંગે પણ વાલીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ વાલી સંમેલનની વિશેષતા એ હતી કે તેમાં વિદ્યાર્થી, વાલી અને શિક્ષક—ત્રણેની સક્રિય ઉપસ્થિતિ રહી હતી. સંમેલન દરમિયાન તમામ વિદ્યાર્થીઓ દૈનિક ગૃહકાર્યની નોંધપોથી તેમજ તમામ વિષયની નોટબુક્સ લઈને ઉપસ્થિત રહ્યાં હતાં. વિદ્યાર્થીઓએ કેટલું અને કેવું લેખન કર્યું છે તેમજ વાલીઓ દ્વારા નિયમિત સહી કરવામાં આવે છે કે નહીં, તેની ચકાસણી કરવામાં આવી હતી. નિયમિત રીતે સુંદર અક્ષરે ગૃહકાર્ય પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે જરૂર જણાઈ ત્યાં વાલીઓને પોતાનાં સંતાનો માટે નિયમિત સમય ફાળવવા અને તેમના અભ્યાસમાં સક્રિય રસ લેવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિએ પ્રેરક માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, “આપણા જીવનમાં સંગનું ખૂબ મહત્ત્વ છે. વિદ્યાર્થીને સારો મિત્ર મળી જાય તો તે જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકે છે. વાલીઓએ પોતાનાં બાળકના ઘડતર માટે તેમજ શાળાના વિકાસ માટે હંમેશાં સહયોગ આપવાની જરૂર છે.” આ ઉપરાંત શાળાનું સંચાલન વધુ સુચારુ રીતે થઈ શકે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં વાલીઓ વધુ સક્રિય ભાગીદાર બની શકે તે માટે તેઓ કઈ-કઈ રીતે સહયોગ આપી શકે, તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
શિક્ષક શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “સમય ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. આ સમયમાં શાળાકીય શિક્ષણની સાથે જીવનઘડતરનું પણ ખૂબ મહત્ત્વ છે. આજના વિદ્યાર્થીઓને નિર્ભય બનાવવાની સાથે તેમને શિસ્તનું મહત્ત્વ સમજાવવું પણ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓમાં આત્મગૌરવ અને આત્મવિશ્વાસ જેવા ગુણો ખીલવવા જરૂરી છે, જેથી જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે તેઓ તેનો હિંમતપૂર્વક સામનો કરી શકે. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે વાલીઓ નિયમિતપણે પોતાનાં સંતાનોને સમય આપે, તેમની નોટબુક તપાસે, સહી કરે અને તેઓ સારું કાર્ય કરે ત્યારે તેમને બિરદાવીને પ્રોત્સાહિત કરે. ઘરમાં સારાં પુસ્તકો વસાવવાં અને બાળકોને વાંચનની ટેવ પાડવી પણ એટલું જ જરૂરી છે. દરરોજ સંતાનોને સારી અને પ્રેરણાદાયી વાર્તા કહેવાથી તેમનાં વિચારો, કલ્પનાશક્તિ અને જીવનમૂલ્યોનાં ઘડતરમાં અનેક સકારાત્મક પરિણામો મેળવી શકાય છે. વાર્તા એક અમોઘ શસ્ત્ર પણ છે અને શાસ્ત્ર પણ છે.”
વાલી સંમેલનને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક ભાઈઓ-બહેનોનો નોંધપાત્ર સહયોગ મળ્યો હતો. આ પ્રસંગે શિક્ષક શ્રી વિજયભાઈ માણિયા, શ્રી જયેશભાઈ ગોરસિયા, શ્રી મુકેશભાઈ પ્રજાપતિ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓએ શાળાની આ પહેલને આવકારી હતી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે તેમના જીવનઘડતર માટે શાળા અને પરિવાર વચ્ચે સતત સંવાદ અને સહયોગ જળવાઈ રહે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.



