ગુજરાત
માંડવી ખાતે‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ પખવાડીયા તથા આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત આદિ સેવા પર્વનો પ્રારંભ કરાવતા સાંસદ પ્રભુભાઈ વસાવા

- માંડવી ખાતે‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ પખવાડીયા તથા આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત આદિ સેવા પર્વનો પ્રારંભ કરાવતા સાંસદ પ્રભુભાઈ વસાવા
- તંદુરસ્ત માતા-બહેનોથી તંદુરસ્ત સમાજનું નિર્માણ શક્ય બનશેઃ સાંસદ પ્રભુભાઈ વસાવા
- મોટી સંખ્યામાં આદિમજૂથના લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી
- વિસડાલીયા ખાતે મેડિકલ કેમ્પ, ગંગાસ્વરૂપા બહેનોને સાડી, યુવા દીકરીઓને મેડિકલ કીટ અર્પણ તથા આદિમ જૂથ પરિવારના યુવાઓને હેલમેટ વિતરણ કરાયુંદેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના અવસરે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને માંડવી ખાતે અનેકવિધ સેવાકીય કાર્યો સાથે દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
માંડવીની રેફરલ હોસ્પિટલ ખાતે ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ પખવાડીયા તથા વિસડાલીયા ખાતે આદિમજૂથના કલ્યાણ માટે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત આદિ સેવા પર્વનો સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. વિસડાલીયા ખાતે મહિલાઓ માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં મહિલાઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. સાંસદ સહિતના પદાધિકારીઓ સ્વચ્છતા પખવાડિયા હેઠળ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
આ પ્રસંગે સાંસદે તંદુરસ્ત માતા-બહેનોથી તંદુરસ્ત સમાજનું નિર્માણ શકય બનશે એમ જણાવી સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ પખવાડિયા દરમિયાન માતાઓ, બહેનો, દીકરીઓએ પોતાના સ્વાસ્થ્યની અવશ્ય ચકાસણી કરાવી સ્વસ્થ નારીના સૂત્રને સાર્થક કરવાનો અનુરોધ કર્યો હતો. આદિમજુથ પરિવારો વાંસ સાથે જોડાયેલા છે. તેઓનો સર્વાગી વિકાસ થાય તે માટે વાંસને ઘાસની શ્રેણીમાં દાખલ કરી સરકારે મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસ માટે સક્રિયતા સાથે કાર્ય કરી રહી હોવાનું જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડે જણાવ્યું હતું.
માંડવીના વિસડાલીયા ફોરેસ્ટ કેમ્પસ ખાતે સાંસદના હસ્તે અતિપછાત સમાજ આદિમ જૂથ પરિવારો માટે મેડિકલ કેમ્પ, ગંગાસ્વરૂપા બહેનોને સાડી, યુવા દીકરીઓને મેડિકલ કીટ અર્પણ તથા આદિમ જૂથ પરિવારના વ્હીકલ લાયસન્સ ધારક યુવાઓને સલામતિ માટે હેલમેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ વડાપ્રધાનશ્રીના મધ્યપ્રદેશના ધાર ખાતે યોજાયેલા ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ પખવાડિયાના શુભારંભ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યુ હતું.
શ્રી તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ડો.કરૂણાકર દેસાઈ સહિતના ડોકટરોએ મેડિકલ કેમ્પમાં લોકોના આરોગ્યની ચકાસણી કરી હતી.
માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં જિ.સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મુખ્ય જિ. આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, અગ્રણી જિગર નાયક, નિમેષભાઈ, આશિષભાઈ, અનિલભાઈ ચૌધરી, રોહિત પટેલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ, પદાધિકારીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.