વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા આદિવાસીઓના હિતને પ્રાધાન્ય આપ્યું છે: આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ
માંડવી તાલુકાના દેવગઢ ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
સુરત:ગુરૂવાર: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોંચે તેવા આશયથી માંડવી તાલુકાના દેવગઢ ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી. સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામીણ, ટ્રાઈબલ તાલુકામાં સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા આદિવાસીઓના હિતને પ્રાધાન્ય આપ્યું છે.
આદિવાસીઓના સર્વાંગી ઉત્થાન માટે તેમણે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લાખો આદિવાસી બંધુઓ લઈ રહ્યા છે, સરકાર દ્વારા આદિવાસી દીકરા-દીકરીઓને વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખની લોન સહાય, ડૉકટર બનવા માટે નાણાકીય સહાય, પાયલોટ બને માટે ૨૪ લાખની લોન સહાય ૪ ટકાના નજીવા વ્યાજદરે આપવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં નરેન્દ્રભાઈએ વનબંધુ કલ્યાણ યોજનાથી અંબાજીથી લઈ ઉમરગામ સુધી તમામ લોકોને રોડ, રસ્તા, પાણી અને પ્રાથમિક સુવિધાઓ આપી છે. આજે યુરિયા છંટકાવ માટે ડ્રોન યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા આઈ.ટી.આઈ.માં યુવાઓને તાલીમ અપાશે. સુરત જિલ્લામાં સિકલસેલ એનીમિયાના દર્દીઓને સારવાર માટે રૂ.૪૦ હજારની સહાય આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ છેવાડાના ગરીબ, મધ્યમવર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ હોવાનો મત વ્યક્ત કરી સરકારની યોજનાઓનો બહોળો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવાએ જણાવ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી આદિજાતિ વિસ્તારના લોકોને યોજનાકીય લાભો ઘરઆંગણે મળે એવો પણ આગવો હેતુ છે. ગામડાઓ-આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસની નેમ સાથે ૨૨ જેટલી આદિજાતિ યોજનાઓના લાભો આપવાની ઝુંબેશ છેડવામાં આવી છે. વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણ માટે સજ્જ બની યોગદાન આપવાનું તેમણે આહ્વાન કર્યું હતું.
આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય, દેવગઢ ગામની ગંગાસ્વરૂપ બહેનોને સાડીઓનું વિતરણ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી પિયુષ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, દેવગઢના સરપંચ જયાબેન, તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્રભાઈ સોલંકી, જિ.સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, અગ્રણી અનિલભાઈ ચૌધરી, મામલતદારશ્રી મનીષભાઈ પટેલ, વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી), તા.પંચાયત-આરોગ્ય કર્મચારીઓ, આઈસીડીએસના મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.