ગુજરાત

સુરતમાં ખાડી પૂરનું ગંભીર સંકટ: સીમાડા ખાડી ઓવરફ્લો, લિંબાયત ભયજનક સપાટીએ પહોંચતા તંત્ર દ્વારા હાઈ એલર્ટ

સુરતમાં ખાડી પૂરનું ગંભીર સંકટ: સીમાડા ખાડી ઓવરફ્લો, લિંબાયત ભયજનક સપાટીએ પહોંચતા તંત્ર દ્વારા હાઈ એલર્ટ


સુરત: સુરત શહેરમાં આકાશી આફત બાદ હવે ખાડી પૂરનું ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. શહેરમાં પડેલા મુસળધાર વરસાદ અને ઉપરવાસની ભારે આવકના કારણે સ્થાનિક ખાડીઓની જળસપાટીમાં તોતિંગ વધારો થયો છે. પૂણા પાટિયા સહિતના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાનું મુખ્ય કારણ એ છે કે સ્થાનિક ખાડીઓનું જળસ્તર ભયજનક સપાટી એટલે કે ૮.૨૦ મીટરને પાર કરી ગયું છે. ખાડીઓ ઓવરફ્લો થવાને કારણે શહેરની અંદરના વરસાદી ગટરના પાણીનો નિકાલ તદ્દન ઠપ્પ અથવા અત્યંત ધીમો પડી ગયો છે, જેના લીધે રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.
હાલની પરિસ્થિતિ અનુસાર, સીમાડા ખાડી સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ ચૂકી છે અને તેના પાણી આજુબાજુના રસ્તાઓ પર ફરી વળ્યા છે. બીજી તરફ, લિંબાયત ખાડી પણ પોતાની ભયજનક સપાટીની સાવ નજીક વહી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જો હજુ પણ વરસાદનું જોર આવું જ ચાલુ રહેશે, તો લિંબાયત અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે ખાડી પૂર (Creek Flood) આવવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારમાં રહેતા હજારો લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે અને જરૂર પડ્યે સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવા સૂચના અપાઈ છે.
રાહતના એકમાત્ર સમાચાર એ છે કે હાલ પૂરતી ઉધના ઝોનમાંથી પસાર થતી કાંકરા ખાડીની સપાટી નિયંત્રણ હેઠળ છે. જોકે, અન્ય ખાડીઓની સ્થિતિ ચિંતાજનક હોવાથી સુરત મહાનગરપાલિકા (SMC)નું ફ્લડ કંટ્રોલ વિભાગ ૨૪ કલાક સતત મોનિટરિંગ કરી રહ્યું છે. તમામ હાઇડ્રોલિક ટીમો, ખાડી કિનારે ફ્લડ ગેટ્સ અને પંપીંગ સ્ટેશનો પર તૈનાત કરી દેવામાં આવી છે. વરસાદ ચાલુ રહેશે તો ખાડી કિનારાના અનેક વિસ્તારો સંપૂર્ણ જળબંબોળ થવાની આશંકા વચ્ચે આગામી ૨૪ કલાક સુરત માટે અત્યંત નાજુક માનવામાં આવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button