સ્પોર્ટ્સ
ટીમ ઇન્ડિયાની શરમજનક હાર: ત્રીજી T-20માં ભારત માત્ર ૭૬ રનમાં ઓલઆઉટ

- ટીમ ઇન્ડિયાની શરમજનક હાર: ત્રીજી T-20માં ભારત માત્ર ૭૬ રનમાં ઓલઆઉટ
નોટિંગહામ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંગહામમાં રમાયેલી ત્રીજી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ટીમ ઇન્ડિયાને ઐતિહાસિક અને અત્યંત શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડે મેન ઇન બ્લૂને ૧૨૫ રને કારમી શિકસ્ત આપી છે. ઇંગ્લિશ ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૦૨ રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર ૭૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટી-૨૦ ક્રિકેટના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી હાર છે. કેપ્ટન તરીકે પોતાની પાંચમી જ મેચ રમી રહેલા શ્રેયસ અય્યરના નામે આ નબળો રેકોર્ડ નોંધાયો છે.
મંગળવાર, ૭ જુલાઈના રોજ રમાયેલા આ મુકાબલામાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત શાનદાર રહી હતી. જોશ બટલર (૨૧ બોલમાં ૩૬ રન) અને ફિલ સોલ્ટે ઇનિંગ્સને મજબૂત ગતિ આપી હતી. ફિલ સોલ્ટે એક છેડો સાચવી રાખીને ૪૪ બોલમાં ૭ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૭૦ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય સેમ કરને ૨૪ બોલમાં ૪૧ રન ફટકાર્યા હતા. વિલ જેક્સ (૧૪), જેક બેથેલ (૧૩) અને હેરી બ્રુક (૧૬) ના નાની પણ ઉપયોગી ઇનિંગ્સના જોરે ઇંગ્લેન્ડે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૦૧ રન બનાવ્યા હતા. ભારત તરફથી પ્રિન્સ યાદવે ૪ ઓવરમાં ૩૦ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી અને તે સૌથી સફળ બોલર રહ્યો હતો. હર્ષિત રાણાએ ૪૦ રન આપી ૨ વિકેટ લીધી હતી, જ્યારે અક્ષર પટેલ ખૂબ મોંઘો સાબિત થયો હતો અને તેણે ૪ ઓવરમાં ૪૯ રન આપીને ૧ વિકેટ લીધી હતી. - ભારતીય બેટિંગનો ફિયાસ્કો: માત્ર ૭૬ રનમાં ટીમ સિમિત : ૨૦૨ રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર અભિષેક શર્મા માત્ર ૧૦ રન બનાવીને ૨૩ ના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ જાણે વિકેટોની પતઝડ શરૂ થઈ ગઈ હતી. આખી ભારતીય ટીમ માત્ર ૧૧.૪ ઓવરમાં ૭૬ રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
ભારત તરફથી માત્ર ચાર બેટ્સમેન જ બે આંકડાનો સ્કોર સ્પર્શી શક્યા હતા, જેમાં વૈભવ સૂર્યવંશી અને ઇશાન કિશને સૌથી વધુ ૧૩-૧૩ રન બનાવ્યા હતા, જ્યારે અક્ષર પટેલ અને અભિષેક શર્માએ ૧૦-૧૦ રનનું યોગદાન આપ્યું હતું. બાકીના બેટ્સમેનોનો સ્કોર કોઈ ફોન નંબરની જેમ ૫, ૩, ૯, ૨, ૪, ૫, ૨ રહ્યો હતો. - ઇંગ્લિશ બોલરોનો કહેર : ઇંગ્લેન્ડના બોલરોએ ભારતીય બેટિંગ લાઇન-અપને સંપૂર્ણપણે લાચાર બનાવી દીધી હતી. જોશ ટંગે ૪ ઓવરમાં ૨૮ રન આપીને સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી. જ્યારે ઘાતક બોલિંગ કરનાર જોફ્રા આર્ચરે ૩ ઓવરમાં ૨૯ રન આપીને ૩ મહત્વની વિકેટો મેળવી હતી, જેને કારણે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. આ સિવાય આદિલ રાશિદે ૨ વિકેટ અને વિલ જેક્સે ૧ વિકેટ ઝડપી હતી, જ્યારે એક બેટ્સમેન રન આઉટ થયો હતો.



