ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘Australia-India Circular Synergies: Transforming Waste into Opportunities’ વિશે સેશન યોજાયું

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘Australia-India Circular Synergies: Transforming Waste into Opportunities’ વિશે સેશન યોજાયું
- જ્યારે પ્રોડક્ટ પર રિસાયકલિંગ પ્રક્રિયા કરીને રિયુઝ કરવા માટે તૈયાર કરવામાં આવે છે, ત્યારે મહત્વનું છે કે પ્રોડક્ટની ગુણવત્તા જળવાઈ રહેઃ નેહા મોદી
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવારે, તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે, સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘Australia-India Circular Synergies: Transforming Waste into Opportunities’ વિશે સેશન યોજાયું હતું, જેમાં ઓસ્ટ્રેલિયાના ક્લીનઅવે કંપનીના ઈનોવેશન અને સર્ક્યુલારિટીના બિઝનેસ પાર્ટનર મિસ. નેહા મોદીએ સુરતના ઉદ્યોગ સાહસિકોને વેસ્ટ મેનેજમેન્ટ અને સસ્ટેનsબિલીટી વિશે માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ‘આપણે સૌ જાણીએ છીએ કે વિકાસ સાથે કચરાનું પ્રમાણ વધે છે, પણ પ્રશ્ન એ છે કે શું કચરો માત્ર બોજ છે? કે પછી તે આપણા માટે તક બની શકે? આજની દુનિયામાં “Circular Economy” એ બતાવ્યું છે કે કચરો એટલે સમસ્યા નહીં, પણ એક સંસાધન છે. એને યોગ્ય રીતે ઉપયોગમાં લઈએ તો પર્યાવરણને રક્ષણ આપી શકીએ, ઉદ્યોગ માટે નવા રસ્તા ખોલી શકીએ અને સૌથી મહત્વનું – ટકાઉ ભવિષ્યની રચના કરી શકીએ. રિસાયકલીંગ ઇન્ડસ્ટ્રીઝ, કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવાની યુનિટ્સ, પ્લાસ્ટિક પેલેટાઇઝિંગ પ્લાન્ટ્સ, ટેક્સટાઈલ રિસાયકલીંગ જેવા પ્રોજેક્ટ્સ રોજગાર અને નવા બિઝનેસની તકો ઉભી કરે છે, આથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બને છે.’
મિસ. નેહા મોદીએ જણાવ્યું હતું કે, ‘વિશ્વમાં સૌથી વધુ કાપડનો ઉપયોગ ઓસ્ટ્રેલિયામાં થાય છે. ઓસ્ટ્રેલિયા તેના કુલ આયાતના માત્ર ૮% કાપડની જ આયાત ભારતમાંથી કરે છે. ઓસ્ટ્રેલિયાની જેમ ભારતે પણ ટેક્ષ્ટાઈલના રિસાયકલિંગ ક્ષેત્રે વધુ કાર્ય કરવાની જરૂર છે. જ્યારે પ્રોડક્ટ પર રિસાયકલીંગ પ્રક્રિયા કરીને રિયુઝ કરવા માટે તૈયાર કરવામાં આવે છે, ત્યારે મહત્વનું છે કે પ્રોડક્ટની ગુણવત્તા જળવાઈ રહે. પેકેજિંગ જેવા ક્ષેત્રમાં ૩૦% રિસાયકલીંગ વસ્તુઓનો ઉપયોગ કરવા માટે સરકારે પ્રોત્સાહન આપવા જેવી યોજનાઓ ઉપર વિચાર કરવો જોઈએ.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ભારતમાં લોકો હજુ પણ સૂકો અને ભીનો કચરો અલગ નથી નાંખતા. તે સંદર્ભે બાળકોને પણ પ્રશિક્ષણ આપવાની જરૂર છે. જેથી રિસાયકલીંગની પ્રક્રિયામાં વધુ મુશ્કેલી ન પડે. જેથી લેન્ડફિલ ગેસ, ખાદ્ય કચરો અને ઉદ્યોગમાંથી નીકળતા કચરાને નવો ઉર્જા સ્ત્રોત બનાવી શકાય છે. બાયોગેસ, હાઈડ્રોજન, રિન્યુએબલ ડીઝલ જેવા વિકલ્પો ઊર્જા ક્ષેત્રે પરંપરાગત ઇંધણનો વિકલ્પ બની રહ્યા છે.’ ચેમ્બર ઓફ કોમર્સની SGCCI ગ્લોબલ કનેક્ટ કમિટીના ચેરમેન શ્રી દેવકિશન મંઘાણીએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. અંતે ઉપસ્થિતોને મુંઝવતા તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ મિસ. નેહા મોદી દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ સેશનનું સમાપન થયું હતું.



