ગુજરાત

વલસાડના રોહિણા ખાતે સમસ્ત ધોડીયા સમાજ કુળ પરિવાર ટ્રસ્ટનું સાતમું સંમેલન યોજાયું

વલસાડના રોહિણા ખાતે સમસ્ત ધોડીયા સમાજ કુળ પરિવાર ટ્રસ્ટનું સાતમું સંમેલન યોજાયું
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામે બી.સી.વાડવા કોમ્યુનિટી હોલ ખાતે સમસ્ત ધોડીયા સમાજ કુળ પરિવાર ટ્રસ્ટનું સાતમું સંમેલન ભવ્ય રીતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં સમાજના પ્રગતિ માટેનો નવો માર્ગ દર્શાવવામાં આવ્યો હતો અને સમાજના સભ્યોને મજબૂત થવા માટે એકતાના મંત્ર આપ્યા હતા. આ અધિવેશનની શુભ શરૂઆત પ્રકૃતિ પૂજન અને પ્રાર્થનાથી થઈ હતી. પ્રકૃતિનો એક નાનકડો છોડ અર્પણ કરી આવેલ તમામ મહેમાનોનો સ્વાગત કરવામાં આવ્યું હતું
આ અવસરે પ્રાસંગિક ઉદબોધન ટ્રસ્ટના પ્રમુખ ચંપક વાઢવાએ જણાવ્યું હતું કે, કે અમે દર વર્ષે ૨૨ મુદ્દા આધારિત કાર્યક્રમ કરી રહ્યા છે જેમાં શક્ય બને તો સમૂહ લગ્ન કરવું, લગ્ન પરિચય મેળા કરવા, ચાંદલા વિધિમાં ઓછા માણસો બોલાવવા, મંડપનો ખર્ચ ઓછો કરવો, પરંપરિક વાજિંત્રનો ઉપયોગ કરવો, હસ્તમેળાપ બપોરે ૧૨-૦૦ વાગ્યા સુધીમાં કરો, બદલાની અપેક્ષા વિના કન્યાદાન કરવું, એક જ કુળમાં લગ્ન વ્યવહાર કરવો નહીં, જાહેરમાં ચોળી ઉતારવાની પ્રથા બંધ કરવી, સ્મશાનમાં મૃતકને જમાડવા માત્ર એક વ્યક્તિએ કરવું, સારણક્રિયા બારમાને દિવસે જ કરવી તથા ભોજન પ્રથા બંધ કરવી, બારમાની ક્રિયા આદિવાસી વિધિ પ્રમાણે કરવી, બારમાની વિધિ કરનાર વ્યક્તિને મર્યાદામાં ફી આપવી, ભૂત કથા બંધ કરવી, પિયર પ્રથા બંધ કરવી શિક્ષણને મહત્વ આપો વગેરે બાબતો વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં સમાજના તમામ અગ્રણીઓને પણ આ સૂચનો અંગે પોતાના અભિપ્રાય આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના આદિવાસી સમાજના પ્રમુખ ડૉ. પ્રદીપ ગરાસિયાએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને મહત્ત્વનું આયોજન ગણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ધોડીયા સમાજના કુળ પરિવારને એક મંચ પર લાવીને સમાજના વિકાસ માટે મજબૂત પગલું ભરવામાં આવ્યું છે. આ શરૂઆત સમયસર અને એકતાથી કરવામાં આવી છે, જેનાથી ભવિષ્યમાં સમાજને વધુ ઊંચે લઇ જવા માટે મજબૂત આધાર મળશે.”
ટ્રસ્ટના ઉપપ્રમુખ ઉત્તમભાઇ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ કુળોના પ્રમુખ અને મંત્રીઓને એક મંચ પર લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ટ્રસ્ટના અગ્રણીઓએ આ દિશામાં યોગદાન આપનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ સંમેલન ફક્ત એક વાર્તાલાપ નહીં પરંતુ ભવિષ્ય માટે મજબૂત પ્રેરણા છે. આ સંમેલન દ્વારા ધોડીયા સમાજના કુળ પરિવારોને એક મંચ પર લાવવાનો મહાન પ્રયાસ સફળ રહ્યો. આ સાતમું સંમેલન ફક્ત સામાજિક નહીં, પરંતુ સામૂહિક વિકાસ માટે મજબૂત આધારશિલા તરીકે સાબિત થશે.
કાર્યક્રમ દરમિયાન અન્ય મહેમાનો અને વક્તાઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા. સામાજિક વિકાસ, શિક્ષણની ભૂમિકા, અને સમાજના યુવાનોને વધુ મજબૂત બનાવવા માટેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે સૌ ઉપસ્થિતોએ સાદું પ્રીતિ ભોજન લઇ સામાજિક નાતાનો પ્રેમ વધારવામાં આવ્યો. આ ભોજનમાં વિવિધ પ્રકારની પારંપરિક વાનગીઓ પીરસવામાં આવી હતી, અને દરેકે એક સાથે ભોજન કરીને સમાજ માટે મજબૂત સંદેશ આપ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોડિયા બોલીમાં હરેશ પટેલ, કૌશિકભાઈ પટેલ અને જગદીશ પટેલે સફળતાપૂર્વક બહાર પડ્યું હતું.
આ કાર્યક્રમમાં દિશા ફાઉન્ડેશનના પ્રમુખ મુકેશ મહેતા, ડૉ. એ.જે. પટેલ, ડૉ. નિતિન પટેલ, પૂર્વ કલેક્ટર જે.ડી. પટેલ, અને નિવૃત્ત સંયુક્ત બાગાયત અધિકારી ઝેડ.પી. પટેલ, ધનસુખ પટેલ, કમલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમના મુદ્દાઓને સમર્થન જાહેર કર્યું હતું.. સાથે નવા અને જુના ટ્રસ્ટીઓ તથા વિવિધ કુળોના પ્રમુખો અને મંત્રીઓએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અંતે ટ્રસ્ટના મંત્રી લક્ષ્મણ પટેલે આભાર વિધિ વ્યક્ત કરી. રાષ્ટ્રગીતનું ગાન કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button