જિલ્લા પંચાયતની સ્માર્ટ શાળા થકી વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણ પ્રાપ્ત થશેઃ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ
વિદ્યાર્થીઓએ મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ: હું આઈએએસ બની ત્યાં સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ નથી કર્યો: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ

સુરતઃગુરૂવારઃ જિલ્લા પંચાયત સુરત દ્વારા આયોજિત સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સંચાલિત પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને બારડોલી તાલુકાના BAPS સ્વામિનારાયણ મંદિર, સાંકરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલની અધ્યક્ષતા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલની પ્રેરક ઉપસ્થિતમાં સન્માનિત કરાયા હતા. સુરત જિલ્લાની પ્રાથમિક શાળાના ધો.૩ થી ૮ના પ્રથમ સત્રમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારા ૩૨૪ વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને પ્રોત્સાહક ઈનામ અર્પણ કરી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું હતુ કે, સુશિક્ષિત વ્યક્તિ સમાજમાં એક અલગ ઓળખ ઉભી થાય છે. સંસ્કારો અને શિક્ષણથી તેના વ્યક્તિત્વનું ઘડતર થાય છે, જેથી વિદ્યાર્થીઓએ સતત અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ. છેવાડાના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે સરકારે અનેક શિક્ષણલક્ષી યોજનાઓ અમલી છે. જિલ્લા પંચાયત દ્વારા સ્માર્ટ શાળા બનાવવા ૫ લાખની ગ્રાન્ટને વધારી ૫૦ લાખ સુધીના ગ્રાન્ટ આપવાનું નક્કી કર્યું છે. સ્માર્ટ શાળા થકી વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણ પ્રાપ્ત થશે.